વિધાનસભાના ટૂંકા સત્રનો વિપક્ષના સૂત્રોચ્ચાર અને હોબાળા સાથે પ્રારંભ

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ટૂંકા સત્રનો આરંભ આજે વિપક્ષના હોબાળા વચ્ચે થયો હતો. સત્રની શરૂઆતના પહેલા દિવસે રાજ્યપાલ ઓ.પી. કોહલીના પ્રવચન સમયે જ કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવીને હોબાળો મચાવતાં રાજ્યપાલે તેમનું પ્રવચન ટૂંકાવી દીધું હતું.

વિપક્ષના ધારાસભ્યો ગૃહમાં પ્રવેશ્યા ત્યારે શાસક પક્ષે તેમનું બેન્ચ થપથપાવીને સ્વાગત કર્યું હતું, પરંતુ રાજ્યપાલના પ્રવચનની શરૂઆતે જય જવાન, જય કિસાન અને ભારતમાતા કી જયના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, ધવલસિંહ ઝાલા અને નૌશાદ સોલંકી ગૃહમાં નારા લગાવવાનું ચાલુ કર્યું હતું અને સરકાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરે તો અમે તેની સાથે છીએ, ખેડૂતોનાં દેવાં માફ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

રાજ્યપાલ ઓ.પી. કોહલીના પ્રવચન પછી વિધાનસભામાં પૂર્વ પ્રધાન મનોહરસિંહ જાડેજા, પૂર્વ સભ્ય પ્રવીણસિંહ ગોહિલ, જીતસિંહ પરમાર, પ્રેમજીભાઈ વડલાની, ભગવાનસિંહ ચૌહાણ, જયંતી ભાનુશાળી સહિતનાને શોકાંજલિ આપતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

ત્યારબાદ પુલવામાના ૪૪ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને બેઠક મુલતવી રખાઈ હતી. પાંચ દિવસીય સત્રમાં કુલ સાત બેઠક મળશે, જેમાં લોકસભાની ચૂંટણી અન્વયે વર્ષ ર૦૧૮-૧૯ના વધારાના ખર્ચ માટેનું પૂરક બજેટ અને ચાલુ નાણાકીય વર્ષ માટે લેખાનુદાન રજૂ થશે.. ર૦ ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરાશે.

ર૧મીએ લેખાનુદાન પર ચર્ચા થશે. ત્યારબાદ ખાનગી વિધેયકો ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) વિધેયક, ગુજરાત ખેત-જમીન ટોચમર્યાદા (સુધારા) વિધેયક, ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ (સુધારા) વિધેયક અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિ. કોર્પોરેશન (સુધારા) વિધેયક પર ચર્ચા હાથ ધરાશે. શુક્રવાર રરમીએ છેલ્લા દિવસે સરકારી વિધેયક અને છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચા થશે.

You might also like