વર્ષોજૂના લાલદરવાજા બસ ટર્મિનસના નવસર્જનનો પ્રારંભ

અમદાવાદ: એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા શહેરના સૌથી મહત્ત્વના તેમજ સતત પેસેન્જર્સની અવરજવરથી ધમધમતા લાલદરવાજા ટર્મિનસને અત્યાધુનિક બનાવવાનો પ્રોજેકટ ગઇ કાલથી શરૂ કરાયો છે. એએમટીએસના નવા ચેરમેન દ્વારા ટર્મિનસના મુખ્ય બિ‌િલ્ડંગ અને તમામ પ્લેટફોર્મમાં સોલર પેનલ લગાવવાની તંત્રને અપાયેલી સૂચનાના આધારે હવે નવું બનનારું ટર્મિનસ સોલર પેનલ ધરાવતું હશે.

તંત્ર દ્વારા શૂન્ય નંબરના પ્લેટફોર્મ સંલગ્ન મુખ્ય બિલ્ડિંગને રનિંગ સ્ટાફ તથા પેસેન્જર્સ માટે વધુ સુવિધાથી સભર બનાવાઇ રહ્યું છે. મુખ્ય બિલ્ડિંગને ભોંયતળિયું વત્તા એક માળનું બનાવાશે. ગઇ કાલથી મુખ્ય બિ‌િલ્ડંગ તેમજ પ્લટફોર્મ નંબર એક-બે અને ત્રણનું નવીનીકરણ કરવાનો પહેલો તબક્કો હાથ ધરાયો છે, જે પાંચ મહિના ચાલશે. આ સમયગાળામાં આ પ્લેટફોર્મના પેસેન્જર્સને અન્ય પ્લેટફોર્મ પરથી બસ મળશે.

ત્યારબાદ બાકી બચેલા પ્લેટફોર્મ નંબર ચાર, પાંચ, છ અને સાતનું નવીનીકરણ હાથ ધરાશે અને છેલ્લા તેમજ ત્રીજા તબક્કા હેઠળ આરસીસીના રોડ બનાવાશે.  એએમટીએસના ચેરમેન અતુલ ભાવસાર વધુમાં કહે છે, સમગ્ર પ્રોજેક્ટ રૂ.પાંચ કરોડનો હોઇ તે દોઢ વર્ષમાં પૂરો કરાશે. આમાં સોલર પેનલની વધારાની જોગવાઇ ઉમેરાશે એટલે સોલર પેનલ માટે વધુ રૂ.પચીસેક લાખ ખર્ચાશે.

દરમ્યાન લાલદરવાજા ટર્મિનસથી દરરોજ બે લાખ પેસેન્જરની અવરજવર થાય છે. ટર્મિનસમાંથી કુલ પર રૂટની ૧૮૮ બસ ઉપડે છે. જ્યારે ૩૭ રનિંગ રૂટની કુલ રપર બસ પણ આ ટર્મિનસથી પસાર થતી હોઇ તેની રોજની આવક રૂ.આઠ લાખ જેટલી છે, જોકે ટર્મિનસના નવીનીકરણના પ્રોજેક્ટથી પેસેન્જર્સની ટોળાશાહી પર નિયંત્રણ મૂકવા આગામી દિવસોમાં કેટલાક રૂટને બારોબાર વિવેકાનંદબ્રિજ તેમજ નહેરુબ્રિજથી ડાઇવર્ટ કરાશે.

You might also like