Ahmedabad શહેરના 25 ‘મોડલ રોડ’ પર ‘ઓપરેશન ડિમોલિશન’નો પ્રારંભ

અમદાવાદ: ગઈ કાલે સવારે શહેરના પ્રસિદ્ધ લો ગાર્ડનનાં ખાણી પીણી બજાર પર અચાનક મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ત્રાટકીને તેનાં દબાણોનો રાત સુધીમાં સફાયો કરતાં આ કામગીરી નાગરિકોમાં ‘ટોક ઓફ ધી ટાઉન’માં બની હતી. રોડ પરનાં દબાણ હટાવીને તેને ખુલ્લો કરવાનું અભિયાન ઠેર ઠેર ચાલી રહ્યું હોઈ તંત્ર દ્વારા લો ગાર્ડનના ખાણી પીણી બજારને નિશાન બનાવાયું હતું. હવે સત્તાધીશોએ મોડલ રોડને નવું નિશાન બનાવ્યો છે.

લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા મોડલ રોડની ફૂટપાથ દબાણગ્રસ્ત થઈ હોઈ આજે સાંજ સુધીમાં આ તમામ મોડલ રોડનાં દબાણનો સફાયો કરવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. દરમિયાન હાટકેશ્વરમાં લાલ બહાદુર શાસ્ત્રી રિંગ રોડ પરના મોડલ રોડના દબાણ હટાવવાની કામગીરી તંત્રે પોલીસસ્ટાફની મદદ સાથે આજે સવારે હાથ ધરતા લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.

પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા લો ગાર્ડન વિસ્તારમાં એનસીસી સર્કલથી ઠાકોરભાઈ દેસાઈ હોલવાળા ચાર રસ્તા સુધીના ૨૫૦ મીટર લાંબા રોડ પરના શહેરની આગવી ઓળખ સમાન ખાણી પીણી બજારને કાયમી ધોરણે  દૂર કરવાની કામગીરી ગઈ કાલે સવારે હાથ ધરાતાં ભારે ચકચાર મચી ગઈ હતી.

દબાણો હટાવવાની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. જે દરમિયાન ૬૭ દબાણ ગાડી ભરીને માલ સામાન જપ્ત કરી મ્યુનિસિપલ ગોડાઉનમાં જમા કરાવાયો હતો. જોકે લો ગાર્ડનનાં ખાણી પીણી બજારને ફૂલવા ફાલવા પાછળ જે રીતે સ્થાનિક એસ્ટેટ વિભાગની હપ્તાખાઉ સિસ્ટમ તેમજ કેટલાક રાજકારણીઓની છૂપી ભાગીદારી જવાબદાર છે તે જ રીતે શહેરનાં અન્ય રોડ પરનાં દબાણોનું છે.

છેક વર્ષ ૨૦૧૧ના સમયગાળામાં તત્કાલિન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ અને તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રા દ્વાર ઔડાની જૂની લિમિટના મોડલ રોડના આધારે શહેરમાં મોડલ રોડ તૈયાર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. જોકે મોડલ રોડ ‘દબાણ મુક્ત’ બનવો જોઈએ તેવી તેની પહેલી શરત હતી. તેમ છતાં એસ્ટેટ વિભાગના કેટલાક ભ્રષ્ટ સ્ટાફના કારણે તમામે તમામ મોડલ રોડની ફૂટપાથ પર લારી-ગલ્લાનાં દબાણ થયાં છે.

ગઈ કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક ભાજપના સભ્યોએ સામૂહિક રીતે લો ગાર્ડનનાં ખાણી પીણી બજારનાં દબાણનો સફાયો કરવાની તંત્રની કામગીરીની પ્રશંસા કરવાની સાથે સાથે સામૂહિક રીતે મોડલ રોડ પરનાં દબાણની ફરિયાદ કરી હતી. જેને કમિશનર વિજય નહેરાએ ગંભીરતાથી લઈને સઘળા અધિકારીઓને શુક્રવારની સાંજ સુધીમાં તમામ દબાણ હટાવી દેવાની કડક સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૧માં શહેરમાં ફેઝ-એક હેઠળ કુલ ૩૭.૧૦ કિ.મી. લંબાઈ કુલ સાત મોડલ રોડ બનાવાયા હતા. જેમાં નવા પશ્ચિમ ઝોનના પલ્લવ ચાર રસ્તાથી કર્ણાવતી મોટર્સ સુધીનો સાત કિ.મી.સુધીનો લાંબો રસ્તો તેમજ પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા ચાર રસ્તાથી પાસપોર્ટ ઓફિસ સુધીના ૩.૭૦ કિ.મી. લાંબા રસ્તાનો સમાવેશ થાય છે.

જ્યારે વર્ષ ૨૦૧૨માં ફેઝ-બે હેઠળ કુલ ૩૩.૯૫ કિ.મી. લંબાઈના કુલ ૧૮ મોડલ રસ્તા તૈયાર કરાયા હતા. જેમાં પશ્ચિમ ઝોનના નહેરુનગરથી ગુજરાત કોલેજ સુધીનો ૨.૨૦ કિ.મી. લંબાઈનો રસ્તો, આશ્રમ રોડના બાટા હાઉસથી સરદાર પટેલ બ્રિજ સુધીનો ૩.૪૫ કિ.મી. લંબાઈનો રસ્તો અને નવા પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવેથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના રસ્તાનો સમાવેશ થાય છે.

મોડલ રોડને દબાણમુક્ત બનાવવાની સાથે સાથે સુવ્યવસ્થિત ફૂટપાથ, કેટઆઈ, સેન્ટ્રલ વર્જ, રોડ પાર્કિંગ, ઝિબ્રા ક્રોસિંગ પર પટ્ટા વગેરેથી સુશોભિત કરવા એક કિ.મી.એ આશરે રૂ. ૫૦ લાખ મ્યુનિસિપલ તિજોરીમાંથી ખર્ચાયા હતા.

કયા મોડલ રોડ પરનાં દબાણો દૂર થશે?

ઝોન રસ્તાનું નામ         લંબાઈ
દક્ષિણ BRTS CTM બ્રિજથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ૫.૧
મધ્ય ડફનાળાથી ગાંધીબ્રિજને જોડતો રસ્તો ૪.૫
ઉત્તર મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડથી ઈસનપુરબ્રિજ ૧૨.૮
ઉત્તર ઈન્દિરાબ્રિજ સર્કલ થઈ એરપોર્ટને જોડતો રસ્તો ૧.૬
પશ્ચિમ ઉસ્માનપુરા ચાર રસ્તાથી પાસપોર્ટ ઓફિસ ૩.૭
ન. પશ્ચિમ પલ્લવ ચાર રસ્તાથી કર્ણાવતી મોટર્સ સુધીનો રસ્તો ૭.
ન. પશ્ચિમ SG હાઈવે-પકવાન રેસ્ટોરેન્ટથી કેશવબાગ પાર્ટી પ્લોટ ૨.૪
ઉત્તર નેશનલ હાઈવેથી પમ્પિંગ સ્ટેશનથી કેનાલ ૧.૦૫
ઉત્તર ઈન્ડિયા કોલોની ચાર રસ્તાથી કેનાલ સુધી ૧.૪૫
ઉત્તર રક્ષા રત્નાકર ચોકઠાથી રામેશ્વર ચાર રસ્તા ૦.૭
દક્ષિણ પંડિત દીનદયાળ ખોખરાબ્રિજથી કાંકરિયા ગેટ ૧.૪૫
દક્ષિણ કૃષ્ણબાગ ચાર રસ્તાથી કેનાલ સુધીનો રસ્તો ૧.૧૫
દક્ષિણ દીવાન બલ્લુભાઈ સ્કૂલથી અપ્સરા સિનેમા ૧.૧
દક્ષિણ કાંકરિયા ગેટથી બિગ બજાર સુધીનો રોડ ૧.૩
પૂર્વ એસ.પી.ઓફિસથી જૂના ઓઢવ ઓક્ટ્રોય ૪.૬
મધ્ય નહેરુબ્રિજથી એલિસબ્રિજને જોડતો રસ્તો ૧.૬
મધ્ય આરટીઓ સર્કલથી સુભાષબ્રિજથી અંડરબ્રિજ ૧.૫૫
મધ્ય દૂધેશ્વરબ્રિજથી પોલીસ કમિશનરની કચેરી ૦.૯
પશ્ચિમ પલ્લવ ચાર રસ્તાથી ડો,. અમીન જંકશન સુધીનો રોડ ૨.
પશ્ચિમ જનપથ હોટેલથી ગાંધીનગર હાઈવે સુધીનો રસ્તો ૩.૨૫
પશ્ચિમ આશ્રમરોડ-બાટા હાઉસથી સરદાર પટેલ બ્રિજ ૩.૪૫
પશ્ચિમ નહેરુનગરથી ગુજરાત કોલેજ સુધીનો રસ્તો ૨.૨
પશ્ચિમ નવરંગપુરા રેલવે ક્રોસિંગથી એચ.એલ. કોમર્સ કોલેજ ૧.૩૫
પશ્ચિમ પંચવટીથી અંડરપાસ થઈ મહાલક્ષ્મી ચાર રસ્તા ૨.
ન. પશ્ચિમ એસ.જી. હાઈવેથી હેલ્મેટ ચાર રસ્તા ૨.૮૫
કુલ લંબાઈ ૭૧.૦૫
You might also like