સોલા સિવિલ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ, હોમિયોપેથિક કેન્દ્રનો આજથી પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા આજથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ તેમજ હોમિયોપેથિક કેન્દ્રનો પ્રારંભ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો છે.

જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હેમંત જોશી તથા ડો. ઈન્દ્રજીતસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર એસજી હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પિટલના ‘એ’ બ્લોકના પાંચમા માળે આજથી ભારતની પ્રાચીન અને મૂળભૂત એવી આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો લાભ લોકોને નિઃશુલ્ક મળી રહે તે માટે ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

અહીં દરેક પ્રકારના રોગોની આયુર્વેદ તથા હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિથી તદ્દન નિઃશુલ્ક સારવાર તથા સ્વસ્થ દીર્ઘાયુષ્ય માટે આયુષ ચિકિત્સા પદ્ધતિના સિદ્ધાંતોની જાણકારી પણ આપવામાં આવશે. આ બંને કેન્દ્રનો સમય સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૯.૦૦થી ૧.૦૦ અને બપોરે ૩.૦૦થી ૫.૦૦નો રહેશે.

You might also like