ર૦ ઉપગ્રહ લઇ જનારા PSLV-સી-34નું કાઉન્ટ ડાઉન શરૂ

શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ): અંતરિક્ષમાં ભારતની સિદ્ધિનો એક નવો અધ્યાય જોડનાર અંતરિક્ષ યાન પીએસએલવી-સી ૩૪ના પ્રક્ષેપણ માટે તડામાર તૈયારીઓ સાથે ૪૮ કલાકનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના એક પ્રવકતાઅે જણાવ્યું હતું કે પીએસએલવી-સી૩૪ના પ્રક્ષેપણ માટે કાઉન્ટ ડાઉન આજે સવારે ૯-ર૬ કલાકથી શરૂ થઇ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે પીએસએલવી-સી ૩૪ મિશન માટે સમીક્ષા સમિતિ અને લોન્ચ ઓર્થોરાઇઝેશન બોર્ડે રર જૂને સવારે ૯.ર૬ કલાકે પ્રક્ષેપણ માટે મંજૂરી આપી દીધી છે.
ઇસરો રર જૂનના રોજ સવારે ૯.ર૬ કલાકે પીએસએલવી-સી ૩૪નું પ્રક્ષેપણ કરશે, જે પોતાની સાથે વિક્રમી સંખ્યામાં ર૦ ઉપગ્રહોને લઇને અંતરિક્ષમાં જશે. આમાં ત્રણ સ્વદેશી અને ૧૭ વિદેશી ઉપગ્રહો છે, જેમનું કુલ વજન ૧ર૮૮ કિલોગ્રામની આસપાસ છે. સૌથી મુખ્ય ઉપગ્રહ ભારતનો ભૂ સર્વેક્ષણ અંતરિક્ષ યાન કાર્ટોસેટ-ર છે જેનું વજન ૭ર૭.પ કિલોગ્રામ છે. પૃથ્વીના નિરીક્ષણ માટે આ ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ૧૯ ઉપગ્રહોનું કુલ વજન પ૬૦ કિલોગ્રામ છે. તેમાં બે ઉપગ્રહ ભારતીય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાના છે અને બાકીના ૧૭ ઉપગ્રહ અમેરિકા, કેનેડા, જર્મની અને ઇન્ડોનેશિયાના છે.

You might also like