સ્ટેન્ડિંગ કમિટીના સભ્યને પણ મ્યુનિ. અધિકારીઓ ગાંઠતા નથી!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ બાર સભ્ય શાસક ભાજપના છે. દર ગુરુવારે યોજાતી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના વિકાસ કે પ્રાથમિક સુખાકારીને લગતા કરોડો રૂપિયાના પ્રોજેકટને મંજૂરી અપાય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનને લગતા નીતિ વિષયક નિર્ણયો લેવાય છે. કોર્પોરેશનની તમામ તેર કમિટીમાં સ્ટેન્ડિંગ કમિટી ‘સુપ્રીમ પાવર’ની હોવા છતાં આ કમિટીના સભ્યને પણ મ્યુનિ. અધિકારીઓ ગાંઠતા નથી તે બાબત ખરેખર આશ્ચર્યજનક છે.

અમદાવાદ કોર્પોરેશનમાં સતત ત્રીજી ટર્મથી સત્તાનાં સૂત્ર સંભાળનાર ભાજપ માટે વહીવટીતંત્ર સાથે અણબનાવ વધતો જાય છે. ટોચના સ્તરના અધિકારીઓ સાથે શાસકોના મતભેદ સતત વધી રહ્યા છે. નવી ટર્મના સત્તાધીશોની તંત્ર શેહ શરમ ભરતું નથી તેવી છાપ પણ ઉપસી છે.

આનું ઉત્તમ ઉદાહરણ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ગૌતમ પટેલના પ્રશ્નો પ્રત્યે મ્યુનિ. અધિકારીની બેદરકારીએ પૂરું પાડ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી જેવી સર્વોચ્ચ કમિટીમાં સત્તાધારી ભાજપના સભ્ય હોવા છતાં ગૌતમ પટેલની રજુઆતોને તંત્રએ કાને ધરી નથી. લગભગ ડઝન જેટલા પ્રશ્નો બાબતે મ્યુ‌નિ. અધિકારીઓએ ભેદી મૌન પાળતાં ગૌતમ પટેલ સમસમી ઊઠયા છે.

રિવરફ્રન્ટમાં જમાલપુર છેડે આવવા જવાના રસ્તા સાંકડા હોઇ તેની ડિઝાઇનમાં સુધારો કરવો, વડોદરા એકસપ્રેસ હાઇવેના કોર્નર સો જેટલી લકઝરી બસ ઊભી રહેતી હોઇ નાગરિકોને પડતી હાલાકી નિવારવા પે એન્ડ યુઝ બનાવવું, ઇસનપુર બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિકનો પોઇન્ટ મૂકવો, હાટકેશ્વર બ્રિજની બંને બાજુનો બિસ્માર રોડ હજુ “જૈસે થે” હોઇ તેેને રિપેર કરવા, ઘોડાસરમાં કેનાલની બાજુમાં દશથી પંદર સોસાયટીઓમાં પીવાનાં પાણીની તકલીફ પડતી હોઇ નજીકની પાણીની ટાંકીને મોટી કરવી, લીલા-સૂકા કચરાના ડસ્ટબિનનું વિતરણ બંધ થયું હોઇ તેનું સિવિક સેન્ટરમાંથી વિતરણ કરવું જેવી સ્ટેન્ડિંગ કમિટીના આ સભ્યના બાકી પ્રશ્નોની યાદી છે. પરંતુ હજુ સુધી કોર્પોરેશનના વિવિધ વિભાગો પૈકી એક પણ વિભાગ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યના બાકી પ્રશ્નનો ઉત્તર આપવાની તસદી લીધી નથી.

બીજી તરફ કમિશનર મૂકેશકુમારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલાં સંબંધિત અધિકારીઓએ જે તે સભ્યને તેમના પ્રશ્ન અંગે ટેલિફોનિક વાતચીત કરીને જવાબ આપવાની તાકીદ કરી છે. જોકે સ્ટેન્ડિંગ સભ્યને તંત્ર આટલી હદે લાચાર કરતું હોય તો સામાન્ય નાગરિકોની વાત જ કરવા જેવી નથી.તેવું ખુદ મ્યુનિ. ભાજપના કાર્યાલયમાં ચર્ચાઇ રહ્યું છે.

home

You might also like