ધોરણ-૯માં ભણતી વિદ્યાર્થિનીને બાથમાં ભીડી વીડિયો ઉતારી લીધો

અમદાવાદ: શહેરના છેવાડે આવેલા ઘુમા ગામમાં આવેલી એમ.એ. પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જ ધો.૯માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને બાથમાં ભીડી તેનો વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો. આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં બોપલ પોલીસે બંને વિદ્યાર્થીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બોપલ નજીક આવેલા રાંચરડા ગામમાં સ્નેહા (નામ બદલેલ છે) પોતાનાં માતા-પિતા સાથે રહે છે. સ્નેહા ઘુમા ગામમાં આવેલી એમ.એ. પટેલ સ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરે છે. ચારેક દિવસ અગાઉ સ્નેહા સ્કૂલે ગઈ હતી ત્યારે ૧૧ વાગ્યાની આસપાસ સ્કૂલમાં જ ધો.૧૦માં અભ્યાસ કરતો અનિકેત અને ધો.૯માં અભ્યાસ કરતો વિશાલ (બંનેનાં નામ બદલેલ છે) તેની પાસે આવ્યા હતા.

અનિકેતે અચાનક જ સ્નેહાને પોતાની બાથમાં ભીડી દીધી હતી અને તેને અડપલાં કર્યાં હતાં. આ ઘટનાનો વિશાલે મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. બાદમાં બંનેએ આ વીડિયો વાઈકલ કરી દીધો હતો. આ અંગે સ્નેહાના પિતાને જાણ થતાં તેઓએ આ બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં અનિકેત અને વિશાલ સામે છેડતી, આઇપી એક્ટ અને પોકસો હેઠળ ગુનો નોંધ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like