ધોરણ ૧૧માં ૨૯મેથી પ્રવેશ કાર્યવાહી

અમદાવાદ: ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ તા.ર૯ મેના જાહેર થશે. તેે જ દિવસથી અમદાવાદ શહેર-ગ્રામ્યની સાયન્સ અને સામાન્ય પ્રવાહની શાળાઓમાં ધો.૧૧માં પ્રવેશની કામગીરી શરૂ થશે. શહેરની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો સાથે પ્રવેશ અંગે જિલ્લા શિક્ષણાધિકારીની એક બેઠક થઇ ચૂકી છે. જેમાં ધો.૧૧માં પ્રવેશ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીએ તા.ર૯ અને ૩૦ મેના રોજ એડમિશન ફોર્મ મેળવવાની અને સબમિટ કરવાની કાર્યવાહી કરવી પડશે. દરેક શાળાએ ૩૧મેના રોજ સાંજે ડીઇઓ કચેરીમાં મેરિટની પ્રથમ યાદી પ્રમાણિત કરાવવાની રહેશે. ત્યાર બાદ ૧ જૂનના રોજ સવારે ૧૧-૦૦થી પ-૦૦ દરમિયાન દરેક શાળાનાં નોટિસ બોર્ડ પર મેરિટ લિસ્ટ મુકાશે. વિદ્યાર્થીએ બપોરે ૧ર-૦૦થી પ-૦૦ના સમયગાળા દરમિયાન ફી ભરી દેવાની રહેશે.

બીજું મેરિટ લિસ્ટ ૩ જૂન સવારે ૧ર-૦૦ કલાકે જાહેર થશે. ત્રીજું મેરિટ લિસ્ટ પ જૂને જાહેર થશે. તેની પણ ફી વિદ્યાર્થીએ તે જ દિવસે ભરવી પડશે. પ્રવેશ મેળવવામાં બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ડીઇઓ દ્વારા કેમ્પ યોજાશે. જેમાં બે દિવસ અંગ્રેજી માધ્યમ અને બે દિવસ ગુજરાતી માધ્યમ માટે રહેશે. બે દિવસનો કેમ્પ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારમાં યોજાશે.

ધો.૧૧ સાયન્સ-કોમર્સમાં તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાએ પોતાની શાળાના વિદ્યાર્થીને મેરિટના આધારે પ્રવેશ આપવાનો રહેશે. ૧૬ બેઠક અનામત કેટેગરીના અને ૧૦ બેઠક અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે રાખવાની રહેશે. ૬ જૂને વિદ્યાર્થીઓેએ પ્રવેશ ફોર્મ તમામ પુરાવાઓ સાથે આપવાનું રહેશે. ૭ જૂને અનામત કેટેગરીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓની પ્રવેશની કામગીરી હાથ ધરાશે.
http://sambhaavnews.com/

You might also like