ધોરણ-૧૦ના ચાર લાખથી વધુ વિદ્યાર્થીની ૮ જુલાઈથી પૂરક પરીક્ષા

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા ૮ જુલાઈથી ૧૧ જુલાઈ દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા ૧૨ જુલાઈથી શરૂ થશે. અમદાવાદ સહિત રાજ્યભરના ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ ૮ જુલાઈએ પરીક્ષા આપશે.
તમામ વિષયની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. પ્રથમ ભાગમાં પાર્ટ-એમાં ઓએમઆર પદ્ધતિથી ૬૦ મિનિટના સમયગાળામાં ૫૦ પ્રશ્નો હશે.

જ્યારે પાર્ટ-બીમાં બે કલાકના સમયગાળામાં ટૂંકા-લાંબા જવાબો-નિબંધ વગેરે વર્ણનાત્મક પ્રશ્નોના જવાબો વિદ્યાર્થીએ લખવાના રહેશે. ૮ જુલાઈએ સવારે ૧૦થી ૧.૨૦ દરમિયાન ગુજરાતી પ્રથમ ભાષા અથવા અન્ય પ્રથમ ભાષા જ્યારે બપોરે ૩થી ૫.૨૦ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીની પરીક્ષા લેવાશે. ૯ જુલાઈ રવિવારે સવારે ૧૦ કલાકે સામાજિક વિજ્ઞાન, ૧૦ જુલાઈ સોમવારે સવારે ગણિત અને બપોરે ગુજરાતી દ્વિતીય ભાષા, ૧૧મીને મંગળવારે સવારે અંગ્રેજી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવામાં આવશે.

જુલાઈના છેલ્લા સપ્તાહમાં પરિણામ જાહેર કરી દેવાશે, જેથી એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં પાસ થઇને આગળના વર્ષમાં અભ્યાસ કરી શકે. કુલ ૩૫ પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષાનું આયોજન થશે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાનમાં સારું પ્રદર્શન ન કરી શક્યા હોવાના કારણે ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત જેવી પરીક્ષામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. નિયમિત વિદ્યાર્થીઓ પૈકી ૨.૨૩ લાખ વિદ્યાર્થી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જ્યારે ૨.૩૮ લાખ વિદ્યાર્થી ગણિત અને ૨.૧૩ લાખ વિદ્યાર્થી અંગ્રેજી દ્વિતીય ભાષામાં નાપાસ થયા છે. જ્યારે રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની સંખ્યા પણ એક વિષયમાં નાપાસ ૨૩,૩૧૯ની છે, જેથી આંક ૪ લાખથી વધુ થવા જાય છે.

અમદાવાદ શહેરનું પરિણામ ૭૧.૫૨ જ્યારે ગ્રામ્યનું પરિણામ ૭૦.૧૩ ટકા જાહેર થયેલું છે. આ વર્ષ બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના પરિણામના આધારે જ પરિણામ જાહેર કરાયું છે. દીવના વિદ્યાર્થીઓને વેરાવળ કેન્દ્રમાં પરીક્ષા આપવાની રહેશે.

આજથી ધોરણ-૧૧ સાયન્સમાં એડમિશન માટેની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવશે. જે તે શાળામાં ભણી ચૂકેલી વિદ્યાર્થીઓ માટે આજે પહેલી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. શિક્ષણ વિભાગના િનયમ મુજબ જે તે શાળા તેના વિદ્યાર્થીઓ પૈકી ૪૦ વિદ્યાર્થીઓને મેરિટ મુજબ પ્રવેશ આવશે. માત્ર શાળાઓના વિદ્યાર્થીઓનું જ મેરિટ લિસ્ટ આજે તૈયાર કરાયા બાદ જાહેર થવાની શકયતા છે. અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે ૨ જૂન સુધી ફોર્મ વિતરણ બાદ મેરિટ લિસ્ટ જાહેર કરાશે.
http://sambhaavnews.com/

You might also like