નવા સાહેબ બહુ કડક છે, જાહેર સ્ટેન્ડ બંધ કરી દો

અમદાવાદ: શહેર પોલીસ કમિશનર તરીકે એ. કે. સિંઘે ચાર્જ સંભાળતાં જ બુટલેગરોએ જાહેરમાં ચાલતાં સ્ટેન્ડ બંધ કરી દીધાં છે. હપતા ખાતી પોલીસે બુટલેગરોને સાહેબ કડક છે તેમ કહી જાહેરમાં ચાલતાં દારૂ-જુગારનાં સ્ટેન્ડ બંધ કરી દેવા સૂચના આપી દીધી હતી. કેટલાક બુટલેગરોએ કાયદો-વ્યવસ્થા અને દારૂ-જુગારની બદી પ્રત્યે પોલીસ કમિશનર સખત હોવાનું જાણવા મળતાં જાતે જ સ્ટેન્ડ બંધ કરી દીધાં હતાં.

દિવાળીના તહેવાર દરમિયાન જ નવા પોલીસ કમિશનર આવતાં કેટલાક બુટલેગરોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પોલીસ કમિશનર એ. કે. સિંઘે ગઇ કાલે શહેરના તમામ પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને દારૂ-જુગારના અડ્ડાઓને બંધ કરી દેવા સખત શબ્દોમાં સૂચના આપી છે, જેના પગલે શહેરના દારૂ-જુગારના અડ્ડાઓ બંધ થઇ ગયા છે.

બુટલેગરો દ્વારા સ્થાનિક પોલીસ અધિકારીઓને એડ્વાન્સમાં ભરણ અપાતાં હોય છે અને નવા પોલીસ કમિશનર આવતાં સ્ટેન્ડ બંધ કરી દેવાતાં રાતા પાણીએ રોવાનાે વારાે આવ્યાે છે, જોકે દારૂનાં સ્ટેન્ડ જાહેરમાં નહીં, પરંતુ હવે ખાનગી ધોરણે ચલાવવા દેવામાં આવી રહ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દિવાળીના તહેવારો દરમિયાન દારૂ-જુગારનાં સ્ટેન્ડ બંધ કરાવાતાં હવે ખાનગીમાં દારૂ વેચાવાની શરૂઆત થાય તો નવાઇ નહીં.

You might also like