અજય દેવગણની ચૂંટણી પ્રચાર રેલીમાં ભાગદોડ : પોલીસનો લાઠીચાર્જ

બિહાર : ભાજપ દ્વારા બિહાર શરીફમાં આયોજીત એક રેલીમાં સ્ટાર પ્રચારક અજય દેવગણને જોવા માટે હજારો લોકોની ભીડ ઉમટી પડી છે. જેમ જેમ અજયની રેલીનો સમય થતો ગયો તેમ તેમ મેદાન યુદ્ધ સ્થળ બનતું ગયું. અજય દેવગણને જોવા માટે હજારો લોકો આવ્યા હતા. જેનાં કારણે ધક્કા મુક્કી થવા લાગી હતી. થોડા જ સમયમાં ભીડ બેકાબુ થવા લાગી હતી. જો કે આ બધું થયું ત્યાં સુધી અજય દેવગણ રેલીનાં સ્થળે પહોંચ્યો પણ નહોતો. પરંતુ હવામાં અજયનાં હેલિકોપ્ટરનો ગડગડાટ થવા લાગ્યો હતો.

હેલીકોપ્ટરનાં ગડગડાટ બાદ લોકો જાણે ગાંડાતુર થઇ ગયા હતા.  જેનાં કારણે અંતે ભીડને કાબુમાં લેવા માટે પોલીસ કર્મચારીઓએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેમ છતા પણ લોકો કાબુમાં આવ્યા નહોતા અને તેમણે પોલીસ પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો.

પરિસ્થિતી એવી સર્જાઇ હતી કે લગભગ 45 મિનિટ સુધી ભાગદોડ થઇ હતી. જેનાં કારણે અજયનું હેલિકોપ્ટર બિહારનાં શરીફમાં લેન્ડ થઇ શક્યું નહોતું અને અજય પરત ફરી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અજય દેવગણ ભાજપનાં સ્થાનીક ઉમેદવાદ ડૉ. સુનીલનાં પક્ષમાં પ્રચાર કરવા માટે બિહારનાં શરીફમાં આવવાનો હતો. તે અગાઉ લખીસરાયમાં પણ અજય દેવગણની સભામાં હોબાળો થયો હતો.

You might also like