રેલવે સ્ટેશન પરથી હવે ચા-પાણીના સ્ટોલ અને બાંકડા હટાવી લેવાશે

મુંબઇ, શનિવાર
એલ્ફિન્સ્ટન-પરેલના બ્રિજ પર થયેલી ભાગદોડની દુર્ઘટના બાદ એકાએક જાગેલ રેલવેએ તૈયાર કરેલા એકશન પ્લાન પર હવે મુંબઇનાં પરાં સ્ટેશનના પ્લેટફોર્મ પર કેન્ટીન, ટોઇલેટ અને બાંકડાની સુવિધા સ્ટેશન બહાર ખસેડવાની યોજના ઘડવામાં આવી છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ સમીર ઝવેરીએ આ એક્શન પ્લાન અંગે માગેલી માહિતીના જવાબમાં પશ્ચિમ રેલવેના કોમર્શિયલ વિભાગના ચીફ કોમર્શિયલ મેનેજરે આપેલા લેખિત જવાબમાં આ એક્શન પ્લાન પ્રોસેસમાં હોવાનો ખુલાસો કર્યો છે.

તદ્અનુસાર મુંબઇનાં રેલવે સ્ટેશન પર હવે ક્યાંય ચા-પાણીના સ્ટોલ કે કેન્ટીન જોવા મળશે નહીં. એલ્ફિન્સ્ટન-પરેલના બ્રિજ પર થયેલી ભાગદોડની દુર્ઘટના બાદ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ચર્ચગેટની ઓફિસમાં રેલવેબોર્ડના ચેરમેન અને રેલવેના ટોચના અધિકારીઓ સાથે આઠથી દસ કલાક મેરેથોન મિટિંગ કરી હતી.

આ મિટિંગમાં ૪પ મુદ્દાનો એકશન પ્લાન અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્લાનના એક મુદ્દા અનુસાર કેટલાંક રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ ખૂબ જ સાંકડાં છે અને બંને તરફ એકસાથે ટ્રેન આવે તો સ્ટેશન પરના ચા-પાણીના સ્ટોલ અને બાંકડા પ્રવાસીઓ માટે તકલીફ ઊભી કરે છે. આથી રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર ચાલતા ચા-પાણીના સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ, ટોઇલેટ અને બાંકડાની સુવિધા રેલવે સ્ટેશન બહાર ખસેડવા નિર્ણય લેવાયો છે.

You might also like