સ્ટેડિયમમાં ભારત-પાક.ના સમર્થકો વચ્ચેય જોરદાર મુકાબલો જોવા મળ્યો

લંડનઃ ઈંગ્લેન્ડે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ એવો પણ આવશે, જ્યારે તેના દેશની રાજધાનીમાં ભારત અને પાકિસ્તાનના નારા સાંભળવા મળશે. જે દેશો પર એક જમાનામાં ઈંગ્લેન્ડનું શાસન હતું, ગઈ કાલે એ જ દેશોના ઝંડા સમગ્ર ઓવલ સ્ટેડિયમમાં લહેરાઈ રહ્યા હતો.

યજમાન ઈંગ્લેન્ડ સેમિફાઇનલમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા છતાં ૨૪,૫૦૦ દર્શકોની ક્ષમતાવાળું આ સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. કેટલાક અંગ્રેજ પ્રશંસકોને બાદ કરી દેવામાં આવે તો મેદાનની ચારે બાજુ ભારતીય અને પાકિસ્તાની દર્શકો જ નજરે પડી રહ્યા હતા. સમગ્ર મેચ દરમિયાન ભારત-પાક.ના સમર્થકો વચ્ચે જોરદાર ટક્કર જામેલી રહી.

ભારત-પાક.ની ટીમ મેદાનની અંદર એકબીજા સામે ટક્કર લઈ રહી હતી, જ્યારે સ્ટેડિયમમાં બેઠેલા બંને દેશના ચાહકો એકબીજા સામે પડકાર ફેંકી રહ્યા હતા. સૌથી મજેદાર ઘટના ચોથી ઓવરમાં જોવા મળી હતી, જ્યારે જસપ્રીત બૂમરાહની બોલિંગમાં પાકિસ્તાની ઓપનર ફખર જમાન આઉટ થઈ ગયો. એ સમયે આખું સ્ટેડિયમ ‘ભારત જીતેગા’ના નારાથી ગૂંજી ઊઠ્યું હતું અને મેદાનની ચારેય તરફ તિરંગો લહેરાઈ ઊઠ્યો હતો. થોડીક જ સેકન્ડ બાદ અમ્પાયરે નો-બોલ જાહેર કર્યો અને ફખર બાઉન્ડ્રી લાઇન પાસેથી મેદાનમાં પરત ફર્યો. એ સમયે પાકિસ્તાની સમર્થકો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા અને મેદાનમાં પાકિસ્તાની ધ્વજ લહેરાવા લાગ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like