એસ.ટી વિભાગમાં નવી 2600 બસો ઉમેરાશે, સરકાર દ્વારા નવી બસો ખરીદવાનો લેવાયો નિર્ણય

રાજય સરકાર દ્વારા નવી 2600 એસ.ટી.બસ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે જે રુટ પર જેવી એસ.ટી.બસની જરુરીયાત હશે તેવી જ બસો દોડાવવાનો નિર્ણય રાજયના વાહન-વ્યવહાર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ માટે ઝોનવાર બેઠકો કરી તમામ એસ.ટી.ડેપોના રુટની જાણકારી મેળવવાની કવાયત હાથ ધરવામાં આવશે. જે રુટ પર 50 ટકાથી ઓછો ટ્રાફિક મળતો હશે તે રુટ પર મીની એસ.ટી.બસ દોડશે.
રાજયના વાહન-વ્યવહાર વિભાગ દ્વારા એસ.ટી.બસ સેવાને વધારે સધ્ધર બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત લાખો કિલોમીટર ફરી ગયેલી એસ.ટી.બસોને બદલવામાં પણ આવી રહી છે. જો કે હવે નવી બસોની ખરીદી કરવા માટે વાહન-વ્યવહાર વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના વાહન-વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડીયાના જણાવ્યા પ્રમાણે જે રુટ પર જેવા પ્રકારની એસ.ટી.બસની માંગણી હશે તેવી જ એસ.ટી.બસ દોડશે. અને તે અંતર્ગત 2600 જેટલી નવી એસ.ટી.બસની ખરીદી કરવામાં આવશે.
રાજયના વાહન-વ્યવહાર વિભાગ દ્વારા આર્થિક રીતે નુકસાન કરતાં રુટ પર વોલ્વો બસ કે લકઝરી બસ ન દોડે અને જે રુટ કમાણી કરતાં હોય તે રુટ પર સામાન્ય એસ.ટી.બસ નહી પણ વોલ્વો બસ દોડે તે માટે આ સમીક્ષા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોની અનુકુળતા પણ જાળવી શકાય અને એસ.ટી.નિગમના નફામાં વધારો પણ કરી શકાય તેની કવાયત હાથ ધરવામાં આવી છે.

 

You might also like