રાજ્યભરમાં એસટી બસનાં પૈડાં થંભી ગયાં, હજારો મુસાફરો અટવાયા

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં હતાં, જેના કારણે નોકરી-ધંધા કે અન્ય પ્રસંગોએ એસટી બસમાં પ્રવાસ કરતા લાખો મુસાફરો રઝળી પડ્યા હતા. ખાનગી વાહન સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઇને બમણાં ભાડાં વસૂલવાનું શરૂ કર્યું હોવાની લોકોમાં બૂમ ઊઠી હતી.

અમદાવાદ સહિત મોટા ભાગના ડિવિઝનના કર્મચારીઓએ આજે માસ સીએલના ભાગરૂપે રજા મૂકી દીધી હોવાથી બસો ફરજિયાત બંધ રાખવાની તંત્રને નોબત આવી છે, જોકે યુનિયને મુુસાફરોને પણ જરૂરી ન હોય તો મુસાફરી નહીં કરવા અને સાવધાની રાખવા માટે અનુરોધ કર્યો છે. મજૂર મહાજન, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, અેસટી કર્મચારી મંડળ, ઇન્ટુક અને ભારતીય મજદૂર સંઘ વતી બનેલી સંકલન સમિતિ દ્વારા હડતાળનું એલાન અપાયું છે. આજના આંદોલનમાં રાજ્યભરના ૪પ હજાર કર્મચારીઓ જોડાયા હોવાનો સમિતિએ દાવો કર્યો છે.

અમદાવાદ શહેર-ગ્રામ્ય સહિતના રાજ્યભરના ૯ર ટકા કર્મચારીઓ આજે માસ સીએલ પર છે, જેમાં ડ્રાઇવર-કંડકટર સહિતના તમામ કર્મચારીઓ રજા પર છે. આ અંગે રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલે જણાવ્યંુ હતું કે મુસાફરોને થનારી હેરાનગ‌િત માટે અમને દુઃખ છે, પરંતુ એસટી કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું સરકારે હજુ સુધી નિરાકરણ લાવ્યું નથી.

હજુ પણ જો માગણી પૂરી કરવામાં નહીં આવેે તો વધુ ઉગ્ર આંદોલન કરીશું. આજે સવારથી જ એસટી બસ સ્ટેશને મુસાફરી માટે પહોંચી ગયેલા મુસાફરોને હડતાળની જાણ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા અને મજબૂરીના માર્યા તેમને અન્ય ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો હતો, પરંતુ ખાનગી બસ કે અન્ય વાહનચાલકો જાણે કે આ દિવસની મળેલી તકનો લાભ લેવા માગતા હોય તેમ વધુ મુસાફરોને વાહનમાં બેસાડવા ઉપરાંત બમણાં ભાડાં વસૂલી રહ્યા હોવાની ફરિયાદો સાથે અનેક મુસાફરોએ પણ પ્રવાસ કરવાનું માંડી વાળ્યું હતું. હડતાળના કારણે લાખો મુસાફરોમાં અફરાતફરી મચી હતી.

દૂરના અંતરની ખાનગી બસો પ્રવાસીઓથી હાઉસફુલ બની જવાના કારણે અનેક મુસાફરો જે તે સ્થળે સમયસર પહોંચવાનું ચૂકી ગયા હતા. યુનિયને સાતમા પગારપંચનો અમલ, ફિક્સ પગાર કર્મચારીઓને ધારાધોરણ મુજબ પગાર, આશ્રિતોને નોકરી, વર્ગ-૩ અને ૪ના કર્મચારીની બદલી રદ કરવી. નિગમને ખોટ જાય તેવાં સંચાલન બંધ કરવાં, પાર્ટટાઇમ કર્મચારીના કામના કલાક વધારવા, ડ્રાઇવર-કમ-કંડકટર પાસેથી કોઇ એક જ કક્ષાની ફરજ લેવી.

You might also like