એસટી બસ અને ટેમ્પો વચ્ચે કચડાઇ જતાં બાઇકસવાર બે યુવાનોનાં મોત

અમદાવાદ: વડોદરા નજીક મકરપુરા-માણેજા રોડ પર મોડીરાત્રે એસ.ટી. બસ અને ટેમ્પો વચ્ચે કચડાઇ જતા બાઇકસવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં.

આ અંગેની વિગત એવી છે કે, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મકરપુરા વિસ્તારમાં રહેતા અને જીઆઇડીસી ખાતે એક કંપનીમાં નોકરી કરતા અમરસિંહ કાળુસિંહ પાલ ઉ.વ. ર૮ અને અબરનસિંહ ભૈયાલાલ ઉ.વ.૩૦ આ બંને મિત્રો મોડી રાત્રે બાઇક પર મકરપુરા રોડ પર આવેલી એક હોટેલમાં જમવા માટે જઇ રહ્યા હતા ત્યારે મકરપુરા-માણેજા રોડ પર જીજી માતાજીના મંદિર પાસે સામેથી આવી રહેલા ટેમ્પો અને પાછળથી આવતી એસટી બસ વચ્ચે બાઇક આવી જતાં કચડાઇ જવાથી ઉપરોક્ત બંને મિત્રોના કમકમાટીભર્યા મોત થયાં હતાં.

આ ઉપરાંત લીમખેડા તાલુકાના ઝાલિયાવાડ ગામના એક પરિવારના સભ્યો જીપમાં બેસી પાવાગઢ દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારે ઘોઘંબા નજીક દેવલીકૂવા ગામ પાસે જીપ ઉપર બાવળનું ઝાડ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ગંભીર ઇજા થવાના કારણે મોત થયું હતું જ્યારે દસ જણાંને ગંભીર ઇજા પહોંચતા તમામને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like