તંત્રનો અધ્ધરતાલ વહીવટ : 25 મુસાફરોનો ચમત્કારીક બચાવ

જુનાગઢ : કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. એવું જ કાંઇક જુનાગઢમાં જોવા મળ્યું હતું. અહીં 25 મુસાફરો સાથે જઇ રહેલી એસટી બસનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. બસ જ્યારે પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક જ પુલ તુટી પડ્યો હતો. જો કે સદભાગ્યે પોણા ભાગની બસ પુલથી આગળ નિકળી ગઇ હતી. જેથી પુલ પડ્યો ત્યારે બસની પાછળનો અડધો ભાગ હવામાં લટકી રહ્યો હતો. જો કે પુલની તુટેલી પાળીનો આધાર મળી રહેતા બસ હવામાં જ તોળાઇ રહી હતી અને સદભાગ્યે કોઇ જાનહાની પણ થઇ નહોતી.
જો કે ડ્રાઇવરે સુઝબુઝથી કામ કર્યું હતુ સાથે સાથે યાત્રીઓએ પણ ખુબ જ શાંતિપુર્વક સંપુર્ણ કામ પુરૂ પાડ્યું હતું. ડ્રાઇવરે પહેલા તો તમામ યાત્રીઓને શાંતિથી આગળ આવી જવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ એક પછી એક યાત્રીકોને ઉતારી લેવામાં આવ્યા હતા. જો કે તેટલા સમયમાં આસપાસનાં લોકો પણ ભેગા થયા હતા અને તેમની મદદથી તમામ યાત્રીઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેથી એક મોટી હોનારત ટળી ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસટીની બસ કેશોદથી બાંટવા જઇ રહી હતી. બસ જેવી પુલપરથઈ પસાર થઇ પુલ બેસી ગયો હતો. પુલ લાંબા સમયથી જર્જરીત હતો અને તેનાં સમારકામ માટેની કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જો કે તંત્રનાં કાને તે વાત પહોંચી શકી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે કોઇ મોટી દુર્ઘટનાં ન બને તે પહેલા તંત્ર દ્વારા સમજીને કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી હોતી. હાલ આ એક મોટી દુર્ઘટનાં ટળી ગઇ હતી અને 25 લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો.

You might also like