એસટી બસ પલટી ખાતાં બેને ગંભીર ઈજાઃ ૩૪ મુસાફરોનો અદ્ભુત બચાવ

અમદાવાદ: ભિલોડા રોડ પર ધોલવાણી ગામ પાસે એક એસટી બસ પલટી ખાઈ જતાં બસમાં બેઠેલા તમામ મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા, જોકે અા ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહા‌િન થવા પામી ન હતી, પરંતુ બે મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે ૩૪ મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો.

વિજયનગર તાલુકાની ખોખરા બોર્ડરથી એક એસટી બસ ગઈ કાલ બપોરે મુસાફરો ભરી નડિયાદ તરફ જવા નીકળી હતી. જ્યારે અા એસટી બસ ભિલોડા રોડ પર ધોલવાણી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એસટીના ચાલક રકમુકદ્દીન ઈમામ મિયાં મલેકે બસ બેદરકારીથી ચલાવતાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાઈ જતાં મુસાફરોએ ભારે રોકકળ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

બસમાં મુસાફરી કરી રહેલ પૈકી બે મુસાફરો અરવિંદ તબિયાર અને દીપાબહેન ચીમનલાલ પીપાવંશીને ઈજાઓ પહોંચતાં બંનેને ભિલાેડાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બસમાં બેઠેલ અન્ય ૩૪ મુસાફરોનો અાબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ અને એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામ મુસાફરોને અન્ય બસમાં બેસાડી તેઓ પોતપોતાના ગામ પહોંચે તેવી વ્યવસ્થા કરી હતી.

You might also like