એસ.ટી. બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ત્રણનાં મોત, ૧રને ગંભીર ઇજા

અમદાવાદ: અંબાજી-આબુરોડ પર શિતળા માતાની ઘાટી પાસે એસ.ટી. બસ અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બાર વ્યક્તિને ગંભીર ઇજા થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, અંબાજીથી આબુ તરફ જઇ રહેલી રાજસ્થાન એસ.ટી.ની બસ આબુરોડ પર શિતળા માતાની મઢી પાસેથી પસાર થતી હતી ત્યારે બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ સામેથી પેસેન્જરો ભરી આવતી જીપ સાથે ધડાકાભેર અથડાતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત થતા જીપમાં અને બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા અને લોકોએ ભયના કારણે ચીસાચીસ કરી મૂકી હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ગંભીર ઇજા થવાથી મોત થયા હતા જ્યારે બાર મુસાફરોને ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત સર્જી બસ ચાલક બસ મૂકી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ બચાવ કામગીરી શરૂ કરી આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like