સાવરકુંડલામાં બસ પલ્ટી જતા 8નાં મોત : 40 ઇજાગ્રસ્ત

અમરેલી : સાવરકુંડલા પાસેનાં લુવારા ગામ નજીક રેલ્વે ફાટક નજીક એસટી બસ પલ્ટી મારી જતા 8 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 40થી વધારે ઘાયલ થયા છે. બસમાં 65થી વધારે મુસાફરો બેઠા હતા. રેલ્વે ક્રોસીંગ પાસે આવેલા ટુંકા વળાંક પર બસ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલ્ટી ગઇ હતી અને ઢાળવાળી જગ્યા હોવાથી ત્રણ પલ્ટી મારીને ખાડામાં જઇ પડી હતી. ઘટનાં અંગેની જાણ થતા જ આસપાસનાં રહીશો અને તંત્રનાં જવાબદાર અધિકારીઓ ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય પુર જોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલી અને ઘાયલોને સાંત્વના પાઠવવામાં આવી છે. આનંદી બહેન પટેલ દ્વારા મૃતકોનાં પરિવારને 4 લાખની સહાય જ્યારે ઘાયલોની સંપુર્ણ સારવારનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ઘટનાં અંગે વિગતે મળતી માહિતી અનુસાર લુવારા ગામ નજીક આવેલી ફાટક બાદ એકદમ ટુંકો અને સાંકડો વળાંક છે. ડ્રાઇવરે આ વળાંક પર બસ પરનો કાબુ ગુમાવતા બસ ત્રણ પ્લટી મારીને નજીકનાં ખાડામાં જઇ પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ અને તેનું છાપરુ છુટા પડી ગયા હતા. અકસ્માતની સ્થાનિકોને જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય પહેલા સ્થાનિકો દ્વારા અને ત્યાર બાદ તંત્ર દ્વારા પુરજોશમાં આરંભી દેવાયું હતું. ઇજાગ્રસ્તોને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના અંગે જાણ થતા તમામ ઇમરજન્સી સ્ટાફને તાબડતોબ શક્ય તેટલી ઝડપી અને વધારે સહાય પહોંચાડવા માટેનાં આદેશો સાથે અધિકારીઓ પણ ઘટનાં સ્થળે પહોંચી ગયા હતા. ઉપલેટા ડેપોની બસ ઉપલેટા – મહુવા શ્ર GJ-18-Y-7798 બસ મહુવા તરફ જઇ રહી હતી. ત્યારે ફાટક નજીકનાં વળાંક પર આ દુર્ઘટનાં બની હતી. અત્રે નોંધનીય છે કે એક જ અઠવાડીયામાં એસટી બસનો આ બીજો અકસ્માત છે. અગાઉ નવસારી અકસ્માતમાં પણ 42 લોકોનાં મોત થયા હતા.

You might also like