એસઅારપી જવાનનું અપહરણઃ માર મારી કાર અને મોબાઈલ ફોનની લૂંટ

અમદાવાદ: ગાંધીનગર-પાલનપુર હાઈવે પરથી એસઅારપીના જવાનનું પાંચ શખસે કાર સાથે અપહરણ કરી છરીથી હુમલો કર્યા બાદ અા જવાનના હાથ-પગ બાંધી દઈ અવાવરુ જગ્યાએ ઉતારી મૂકી કાર અને મોબાઈલ, રોકડ રકમ સાથે અાશરે રૂપિયા સવા ચાર લાખની મતાની લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના બનવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પીપળા ગામના રહીશ ભરતભાઈ મોડભાઈ ગઢવી ગાંધીનગર કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે એસઅારપી જવાન તરીકે ફરજ બજાવે છે. પાલનપુર હેડકોટર્સ ખાતે યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં ગરબા ગાઈ અા જવાન ભરતભાઈ ગઢવી તેમની સ્વીફ્ટ કારમાં ગાંધીનગર તરફ અાવી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે અાવેલી ઈન્ડિગો કારે તેમનો ઓવરટેક કરી ભરતભાઈની કાર અાગળ ઊભી રાખી દીધી હતી. ઈન્ડિગો કારમાંથી ઉતરેલા પાંચ શખસોએ જવાનની કારની ચાવી ખેંચી લઈ છરીથી હુમલો કરી એસઅારપી જવાનના હાથ-પગ બાંધી દઈ તેનું અપહરણ કરી કોઈ અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં જઈ માર મારી મોબાઈલ ફોન, રૂપિયા ૫૫૦૦ રોકડાની લૂંટ ચલાવી હતી. લૂંટારૂ પૈકીનો અેક શખસ ભરતભાઈની કાર લઈ નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત એસઅારપી જવાન ભરતભાઈ ગઢવી હાલ સારવાર હેઠળ છે. પોલીસે લૂંટ અને હુમલાનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

You might also like