એસઆરપી જવાનના મકાનમાં ઘૂસીને માથાભારે તત્ત્વોનો હુમલો

અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ ભાઈપુરા વિસ્તાર ગુંડાગીરી માટે નામચીન છે. તાજેતરમાં આ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ છરી-ચપ્પા સાથે આતંક મચાવીને સમગ્ર વિસ્તાર બાનમાં લઇ લીધો હતો ત્યારે ગઇ કાલે મોડી રાતે ભાઇપુરા વિસ્તારમાં આવેલી ધીરજ હાઉ‌િસંગ સોસાયટીમાં એસઆરપી જવાનના પરિવાર પર કેટલાક અસામા‌િજક તત્ત્વોએ હુમલો કરીને તોડફોડ કરી હોવાની વિગતો સામે આવી છે.

તાજેતરમાં ભાઈપુરા વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા સ્થાનિકોને ધાકધમકી આપીને વાહનોમાં પથ્થરમારો કરીને આગચંપી કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લુખ્ખા તત્ત્વોએ ભાઇપુરામાં આવેલી ચાર સોસાયટીઓ ધીરજ હાઉસિંગ, મનહર કોલોની, સિદ્ધેશ્વરી સોસાયટી અને ઈશ્વરકૃપા સોસાયટીને બાનમાં લઈ મોડી રાત્રે વાહનોના કાચ તોડ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો.

ત્યારે ગઇ કાલે મોડી રાતે કેટલાક અસામા‌િજક તત્ત્વો દ્વારા ધીરજ હાઉ‌િસંગમાં આવેલા બ્લોક નંબર 82માં રહેતા એક એસઆરપી જવાનના પરિવારના ઘરમાં ઘૂસી જઇને જવાનના બે પુત્રો પર જીવલેણ હુમલો કર્યો હતો અને બાઇકની તોડફોડ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ ખોખરા પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને એસઆરપી જવાનની ફરિયાદ સાંભળીને કાર્યવાહી કરી હતી. જોકે અસામા‌િજક તત્ત્વો મોડી રાતે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ જવાન તથા તેના પરિવાર સાથે સમાધાન કરી લીધું હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળ્યુ હતું. આ મુદ્દે ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. ચૌહાણે જણાવ્યું છે કે ગઇ કાલે મોડી રાતે ધીરજ હાઉ‌િસંગમાં બબાલ થઇ હતી, મારમારી પણ થઇ હતી, પરંતુ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી નથી. અમે તપાસ કરી રહ્યા છે.

You might also like