જમાઈ તલવાર લઈ દોડી અાવ્યો, SRP-લોકોના કારણે સસરા બચી ગયા

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં એસઆરપી જવાનની સામે જમાઇએ સસરા પર તલવાર વડે હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં અેસઆરપી જવાનો તેમજ સ્થાનિકો દોડી આવતાં હુમલો કરનાર જમાઇ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ગોમતીપુર વિસ્તારમાં આવેલ શંભુ પટેલની ચાલીમાં રહેતા શમશેરઅલી બક્કરઅલી શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જમાઇ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. શમશેરઅલીની પુત્રી રજિનાનાં લગ્ન રખિયાલ વિસ્તારમાં રહેતા સાજિદ ઉર્ફે મોન્ટુ અંસારી સાથે થયાં હતાં.

દોઢ વર્ષ પહેલાં કોઇ કારણોસર રજિના પિયરમાં આવી ગઇ હતી. ગઇ કાલે મોડી રાત્રે સાજિદ તલવાર લઇને તેના બે મિત્રોને સાથે રજિનાને મળવા માટે સાસરીમાં આવ્યો હતો. સાસરીમાં સાજિદ બૂમો પાડીને ઝઘડો કરતાં ચાલીમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ સાજિદ અને તેના મિત્રો ચાલીમાંથી ભાગી ગયા હતા.

રાત્રે ૧૧ વાગે શમશેરઅલી લાલ મિલ ચાર રસ્તા પાસે ગયા હતા તે સમયે એસઆરપી ગ્રૂપ પાસે સાજિદ ઊભો હતો. સાજિદે સસરા શમશેર અલીને જોઇને બીભસ્ત ગાળો બોલવાની શરૂ કરી હતી. શમશેરઅલીએ ગાળો બોલાવાનો ઇન્કાર કરતાં સાજિદે તલવાર વડે હુમલો કર્યો હતો.

તલવારનો એક ઘા શમશેરઅલીના હાથ પર વાગ્યો હતો. દરમિયાનમાં એસઆરપી ગ્રૂપના જવાનો તેમજ સ્થાનિકો દોડી આવતાં શમશેરઅલી બચી ગયા હતા. ગોમતીપુર પોલીસ સાજિદ અને તેના બે મિત્રો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like