એસઅારપીની મંજૂરી પણ મળી ગઈઃ હવે ગેરકાયદે બાંધકામ, દબાણ પર તવાઈ અાવશે?

અમદાવાદ: મેગાસિટી અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બનતી જાય છે તે સર્વ વિદિત બાબત છે. શહેરના જાહેર રસ્તાઓ પર ગેરકાયદે દબાણને કારણે ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુઃખાવો બન્યો છે. બીજી તરફ કોર્પોરેશનને ડિમોલિશન વખતે પોલીસ તંત્રનો પૂરતો સાથ સહકાર મળતો નથી. જેના કારણે અમુક વિસ્તારોમાં પગ મૂકવાનું તંત્રના ઉપરી ‌અધિકારીઓ પણ રાખતા હોઇ ગેરકાયદે બાંધકામ કરનારા માફિયાઓનું જોર વધ્યું છે. આ તમામ બાબોને ધ્યનમાં લઇને એસઆરપીની મદદ લઇને ગેરકાયદે બાંધકામ અને રોડનાં દબાણ હટાવવાની દિશામાં લાંબી કાયદાકીય પ્રક્રિયાના અંતે મ્યુનિ. સત્તાવાળાઓ આગળ વધવાના છે.

તંત્ર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ડિમોલિશન માટે બે એસઆરપીની ટુકડી પૂરી પાડવાનો અનુરોધ કરાયો હતો તે વખતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બે એસઆરપીની ટુકડીની સેવા આપવા માસિક રૂ.૧.ર૧ કરોડનો ખર્ચ દર્શાવાયો હતો.
જોકે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીએ હાલ પૂરતા એસઆરપીના સો જવાનની સેવા લેવાનું નક્કી કરાયું હતું. જે માટે રાજ્ય સરકારને દર મહિને રૂ.૬૧ લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. જેના આધારે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ રાજ્ય સરકારને સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયથી વાકેફ કરીને તદ્દનુસાર એસઆરપીની એક ટુકડી ફાળવવાની પરવાનગી માગી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા એસઆરપીના સો જવાનની ટુકડી કોર્પોરેશનને મળી ગઇ છે. એટલે ટૂંક સમયમાં આ ટુકડી કોર્પોરેશનમાં તૈનાત થઇ જશે.

કોર્પોરેશનના ઓપરેશન ડિમોલિશન માટે એસઆરપીની મદદ લેવા છેક જાન્યુઆરી, ર૦૧૭ના પ્રારંભથી કવાયત આરંભાઇ હતી. ચાર ચાર મહિનાની લાંબી વહીવટી પ્રક્રિયાના અંતે આગામી થોડા દિવસોમાં તંત્રને એસઆરપીના સો જવાનની મદદ મળતી થઇ જશે. જોકે શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે બાંધકામોના રાફડા હોઇ સત્તાધીશો માટે ચોમાસા પહેલા એટલે કે તા.૧૦ જૂનની પહેલાં વ્યાપકપણે ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને માફિયા તત્વો પર કાંઇક અંશે અંકુશ મૂકવો પડશે કેમ કે મહિના સવા મહિનાના સમયગાળામાં ઓપરેશન ડિમોલિશન કેટલા અને ક્યા પ્રકારના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરી શકશે તે પણ એક મોટો પ્રશ્ન છે. જાહેર રસ્તા પરના કાચાં-પાકાં દબાણને પણ હટાવીને શહેરીજનોને રોજબરોજ જટિલ બનતી ટ્રાફિક સમસ્યામાં પણ રાહત આપવી પડશે. વાર્ષિક રૂ.૭.૩ર કરોડનો ખર્ચ એસઆરપીની એક ટુકડી પાછળ થવાનો કોઇ કોર્પોરેશને ઓપરેશન ડિમોલિશન માટે સુવ્યવસ્થિત આયોજન પણ કરવું પડશે તેમ જાણકાર સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

દરમ્યાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને પૂછતા તેઓ કહે છે કે, તંત્ર પાસે ઓપરેશન ડિમોલિશન માટેના પસંદગીના વિવિધ તબક્કાઓને લગતું આયોજન અગાઉથી નક્કી કરી રખાયું છે. એટલે ક્રમશઃ એ પ્રકારે તબક્કાવાર શહેરમાં ઓપેરશન ડિમોલિશન હાથ ધરાશે.
http://sambhaavnews.com/

You might also like