શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવવાની કોશિશ કરનાર અકાલીઓની ધરપકડ

(એજન્સી)
શ્રીનગર: પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજ‌િલ આપવા માટે શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવવાની કોશિશ કરનાર અકાલીદળના નેતાઓ અને કાર્યકરોની પોલીસે આજે સવારે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ એક નેતાની ઓળખ અકાલીદળના ઉપપ્રમુખ દીપક શર્મા તરીકે થઇ છે, જે લુધિયાણાના રહેવાસી છે.

અકાલીદળના આ કાર્યકરો શ્રીનગરના સંવેદનશીલ વિસ્તાર લાલચોક પર ત્રિરંગો ફરકાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ વખતે ત્યાં હાજર સુરક્ષાદળોએ તેમની અટકાયત કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રિરંગો લહેરાવવાની કોશિશ કરી રહેલા અકાલી કાર્યકરોની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી, જોકે અટકાયત કર્યા બાદ પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલચોક પર આજે સવારે પંજાબથી અકાલીદળના કાર્યકરો પહોંચી ગયા હતા.

You might also like