શ્રીનગર NITમાં બે વિદ્યાર્થી દીઠ અેક જવાન તહેનાત

નવી દિલ્હીઃ શ્રીનગર નેશનલ ઇ‌િન્સ્ટટ્યૂટ અોફ ટેકનોલોજીમાં સ્થાનિક અને બહારના વિદ્યાર્થીઅોની વચ્ચે વિવાદ અને લાઠીચાર્જ બાદ કેમ્પસમાં સુરક્ષાદળોને તહેનાત કરી દેવાયાં છે. પેરામિલિટરીની પાંચ કંપનીઅોના ૬૦૦ જવાનોને એનઅાઈટીની સુરક્ષા માટે તહેનાત કરાયા છે, જ્યારે એનઅાઈટીમાં કુલ વિદ્યાર્થીઅોની સંખ્યા લગભગ ૧૫૦૦ છે. અા હિસાબે દર બે વિદ્યાર્થી પર એક જવાન તહેનાત કરાયો છે.

અા અાંકડા મુજબ જોઈઅે તો એનઅાઈટી શ્રીનગર ભારતમાં સૌથી વધુ સુરક્ષાદળોની તહેનાતીવાળું કેમ્પસ બની ગયું છે. કેમ્પસમાં લોકલ પોલીસની હાજરી દેખાઈ રહી નથી. સ્થાનિક પોલીસ પર જ બહારના વિદ્યાર્થીઅો માટે ભેદભાવ રાખવાનો અને તેમના પર લાઠીચાર્જ કરવાનો અાક્ષેપ છે.  પહેલાં કેમ્પસમાં સીઅારપીએફની બે કંપનીઅો તહેનાત કરાઈ હતી. ત્યાર બાદ સશસ્ત્ર સીમાદળની ત્રણ કંપનીઅો તહેનાત કરાઈ. ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડીઝના હાથે ભારત હાર્યા બાદ વિદ્યાર્થીઅોનું એક જૂથ ખુશી મનાવી રહ્યું હતું. અા મુદ્દે કેમ્પસમાં ઝપાઝપી થઈ.

એનઅાઈટી કદાચ ભારતનું પહેલું એવું કેમ્પસ છે, જેની સુરક્ષા પેરામિલિટરીને અપાઈ છે. સૂત્રોનું કહેવું છે કે કેમ્પસમાં પેરામિલિટરીની તહેનાતી નિયમિત રીતે પણ થઈ શકે છે. કેમ્પસમાં રાજ્ય બહારના વધુ વિદ્યાર્થીઅોની હાજરીના કારણે તે અાતંકવાદીઅોના નિશાન પર હોઈ શકે છે. ભવિષ્યમાં પણ અહીં હિંસા ભડકવાની શંકાને જોતાં કેમ્પસ પેરામિલિટરીના હવાલે કરાયું છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અોમર અબ્દુલ્લાએ અાક્ષેપ કર્યો છે કે અારઅેસઅેસના અાદેશ પર જ કેમ્પસમાં પેરામિલિટરી ફોર્સની તહેનાતી કરાઈ છે.

You might also like