શ્રીનગરમાં આજે GST કાઉન્સિલની મિટિંગ

શ્રીનગર: જમ્મુ- કાશ્મીરમાં જારી અશાંતિના વાતાવરણ વચ્ચે આજે શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલ( વસ્તુ અને સેવા કર પરિષદ)ની બેઠકનું આયોજન કરવામાં આ‍વ્યું છે. આ બેઠક યોજવાનો મુખ્ય હેતુ આ વિસ્તારમાં થઈ રહેલા પથ્થરમારાની ઘટનાને રોકવા તેમજ આ વિસ્તારના લોકોને મોટો રાજકીય સંદેશો આપવાનો છે.

જમ્મુ-કાશ્મીરની મહેબૂબા મુફતી સરકાર એ દર્શાવવા ઉત્સુક જણાઈ રહી છે કે જીએસટી અંગેની રાષ્ટ્રવ્યાપી વિચારસરણીમાં જમ્મુ-કાશ્મીર પણ સામેલ છે. અને આ કારણથી જ મહેબૂબા સરકાર જાન્યુઆરીથી ડિસેમ્બરને નાણાકીય વર્ષ બનાવવા અને યુનિવર્સલ બેનિફિટસ પોલિસી તરફ આગળ વધી ચુકી છે. જમ્મુ-કાશ્મીરના નાણાંપ્રધાન હસીબ દ્રાબુએ જણાવ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં જે સમજૂતી થશે.તેને અમે શ્રીનગર ડેકલેરેશન તરીકે ઓળખીશું. ગત વર્ષે હિજબુલ મુજાહિદીનના કમાન્ડર બુરહાન વાનીનાં મોત બાદ કાશ્મીર ખીણના મોટાભાગનાં ગામો અને શહેરો હિંસક ઘટનાના દોરમાં લપેટાઈ ગયાં છે.

ત્યારે સુરક્ષા દળો તરફથી કરવામાં આવતાં પેલેટગનના ઉપયોગથી આ વિસ્તારના લોકોમા રોષ જોવા મળે છે. જ્યારે બીજી તરફ કેટલાક સ્થાનિકો આ વિસ્તારની શાંતિને હણવા સતત પ્રયાસો કરી રહ્યા છે. કારણ તેમને પથ્થરમારો કરવા બદલ મોટી રકમ મળી રહી છે. અને આ વિસ્તારમાં શાંતિ નહિ ઈચ્છતા કેટલાંક તત્ત્વો સતત આવી પ્રવૃત્તિ ચાલુ રહે તે માટે સતત સક્રિય રહે છે. અને સેનાના અનેક પ્રયાસો છતાં આવી પ્રવૃત્તિ પર અંકુશ આવતો નથી.

બીજી તરફ આ વિસ્તારમાં વિપક્ષી નેશનલ કોન્ફરન્સે પણ અલગાવવાદીઓનો સહારો લીધો છે. તાજેતરની પેટા ચૂંટણી દરમિયાન આવી બાબત ખાસ જોવા મળી હતી. તેથી હાલ કાશ્મીર ખીણમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેવી વિરોધાભાસી લહેર વચ્ચે આજે યોજાઈ રહેલી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં વિવિધ રાજ્યના ૨૪થી વધુ નાણાં પ્રધાન હાજરી આપશે. ત્યારે આ બેઠકમાં થનારી ચર્ચામાં આ વિસ્તારની અંશાતિને કેવી રીતે અંકુશમાં લઈ શકાય? તે અંગે ચર્ચા વિચારણા કરીને ખાસ સંદેશ આપવાનું આયોજન કરવામાં આ‍વ્યું છે.
http://sambhaavnews.com/

You might also like