શ્રીલંકાના ખેલાડી હાથમાં તેલ લગાવીને ફિલ્ડિંગ કરી રહ્યા છે કે શું?: ૨૦૧૭માં ૬૫ કેચ છોડ્યા

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પહેલા ટેસ્ટ શ્રેણીમાં ૩-૦થી, પછી વન ડે શ્રેણીમાં ૫-૦થી અને છેલ્લે એકમાત્ર ટી-૨૦ મેચમાં શ્રીલંકાનાં સૂપડાં સાફ કરી નાખ્યાં. આ પહેલાં પણ શ્રીલંકાની ટીમ સતત હારનો સામનો કરી રહી હતી. એક નજર નાખવામાં આવે તો વર્ષ ૨૦૧૭ શ્રીલંકન ક્રિકેટ ટીમ માટે બહુ ખરાબ રહ્યું છે. પરાજયની સાથે સાથે ટીમના ખેલાડી સતત ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. ટીમની સતત થઈ રહેલી માટે મહત્ત્વપૂર્ણ કારણ હવે સામે આવ્યું છે. એ કારણ છે ‘કેચ’.

એવું કહેવામાં આવે છે કે ‘પકડો કેચ, જીતો મેચ’, પરંતુ શ્રીલંકન ખેલાડી આ બાબતમાં તદ્દન ફ્લોપ સાબિત થયા છે. આંકડા પર નજર કરીએ તો શ્રીલંકાની ટીમે વર્ષ ૨૦૧૭માં રેકોર્ડ સંખ્યામાં કેચ છોડ્યા છે. ટીમની ફિલ્ડિંગ બહુ જ નિરાશાજનક નજરે પડી છે. કેચ છોડવાને કારણે ૭૦ ટકા મેચમાં શ્રીલંકાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાની ટીમના તાજેતરના આંકડા પર નજર કરીએ તો જણાશે કે ૨૦૧૭માં શ્રીલંકા તરફથી ત્રણેય ફોર્મેટમાં રમનારા ૨૬ ખેલાડીઓએ કુલ ૬૫ કેચ છોડ્યા છે.

દિનેશ ચાંદીમલ કેચ છોડવામાં ટોચના સ્થાને
વર્ષ ૨૦૧૭માં શ્રીલંકા તરફથી સૌથી વધુ કેચ છોડવાના મામલામાં સૌથી આગળ દિનેશ ચાંદીમલ (પાંચ કેચ) છે. ત્યાર બાદ ઉપુલ થરંગા, દિલશાન મુનાવીરા, નિરોશન ડિકવેલા, અસેલા ગુણારત્ને, લસિથ મલિંગ અને ધનુષ્કા ગુણાતિલકાએ ચાર-ચાર કેચ છોડ્યા છે. શ્રીલંકાની ખરાબ ફિલ્ડિંગની અસર તેમના પ્રદર્શન પર પણ પડી છે અને ટીમને વન ડે શ્રેણીમાં ઝિમ્બાબ્વે સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને પાંચ મેચની શ્રેણીમાં ૩-૨થી શિકસ્ત આપી હતી.

ફિટનેસની ઊણપ
સારી ફિલ્ડિંગ માટે સારી ફિટનેસ હોવી જરૂરી છે અને શ્રીલંકાની વર્તમાન ટીમની ફિટનેસ જ તેમની સૌથી મોટી નબળાઈ છે. તાજેતરમાં શ્રીલંકાના રમતગમત પ્રધાન દયાસિરી જયાસેકરાએ પણ શ્રીલંકાના ખેલાડીઓની ફિટનેસ સામે સવાલો ઉઠાવીને કહ્યું હતું કે શ્રીલંકાના ખેલાડીઓને સૈનિકો જેવી ફિટનેસ ટ્રેનિંગની જરૂરી છે. તેમણે આ નિવેદન ત્યારે આપ્યું હતું, જ્યારે શ્રીલંકાની ટીમ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચમાં પાકિસ્તાન સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. એ મેચમાં શ્રીલંકાના ખેલાડીઓએ ઘણા કેચ છોડ્યા હતા, જે બાદમાં પરાજયનું મુખ્ય કારણ સાબિત થયા હતા.

You might also like