…તો શ્રીલંકાને ૨૦૧૯ના વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ નહીં મળે

દામ્બુલાઃ વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને ૩-૦થી વિજય મેળવ્યો. ત્યારબાદ રવિવારે વન ડે શ્રેણીની પહેલી મેચમાં પણ શ્રીલંકાને સાવ આસાનીથી કચડી નાખ્યું. વિરાટ બ્રિગેડ વન ડે શ્રેણીમાં પણ શ્રીલંકાનો ક્લીન સ્વિપ કરી નાખવા સજ્જ છે. વન ડે શ્રેણીનું ભારત અને શ્રીલંકા-બંને માટે વિશ્વકપ સાથે એક ખાસ કનેક્શન છે. ભારત વિશ્વકપ માટે યુવા ખેલાડીઓની ટીમ તૈયાર કરવા ઇચ્છે છે, જ્યારે શ્રીલંકા માટે વિશ્વકપમાં સીધો પ્રવેશ મેળવવા આ શ્રેણી બહુ જ મહત્ત્વપૂર્ણ છે.
અસલમાં ભારતીય ટીમ વન ડે શ્રેણીમાં ૫-૦થી જીત હાંસલ કરવાના લક્ષ્ય માટે તૈયાર છે, જ્યારે બીજી તરફ શ્રીલંકાની ટીમ પર ૨૦૧૯ના વિશ્વકપમાં સીધા પ્રવેશ સામે જોખમનાં વાદળો મંડરાઈ રહ્યાં છે. શ્રીલંકા પર વિશ્વકપમાં સીધા પ્રવેશ માટે દબાણ વધી ગયું છે. શ્રીલંકાને જો વિશ્વકપમાં સીધો પ્રવેશ મેળવવો હોય તો તેણે ભારત સામે ઓછામાં ઓછી બે વન ડેમાં જીત મેળવવી પડશે. વર્તમાન વન ડે રેન્કિંગમાં શ્રીલંકા ૮૮ પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે. જો તે ભારત સામે બે વન ડેમાં જીત મેળવી લે તો તેના ૯૦ પોઇન્ટ થઈ જશે.
વન ડે રેન્કિંગમાં ૭૮ પોઇન્ટ સાથે નવમા સ્થાને રહેલી વિન્ડીઝની ટીમ જો આયર્લેન્ડ સામે વન ડે શ્રેણી અને ઈંગ્લેન્ડ સામે પાંચ વન ડે મેચમાં જીત મેળવશે તો વિન્ડીઝના ૮૮ પોઇન્ટ થઈ જશે. શ્રીલંકાને આ સ્થિતિમાં વિન્ડીઝથી પાછળ રહી જવાનો ડર છે. યજમાન ઈંગ્લેન્ડ સાથે વન ડે રેન્કિંગમાં ટોચની સાત ટીમ ૨૦૧૯ના વિશ્વકપમાં સીધો પ્રવેશ મેળવશે. આ ઉપરાંત બાકીની ચાર ટીમે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભાગ લેવો પડશે.

You might also like