ધર્મના ઉત્કર્ષ માટે શ્રીકૃષ્ણનું ભૂમિ પર થયું અવતરણ

પ્રકૃતિ પોતાના માધ્યમથી અસંતુલન દૂર કરતી હોય છે. મહાભારતકાળમાં શક્તિઓનો ઉપયોગ અધર્મ માટે થવા લાગ્યો તેથી ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ રૂપી યુગપુરુષનું અવતરણ થયું. આવા યુગપુરુષની આસપાસ શક્તિઓનું ચક્ર સતત ગતિમાન હોય છે અને અધર્મ અને અસત્ય એમના ઊર્જાના ચક્રની સામે સમાપ્ત થઈ જાય છે અને ધર્મની સ્થાપના થાય છે.

ભગવાન વિષ્ણુનું કાર્ય સંસારનું સંચાલન કરવાનું છે. તેથી જ્યારે આસુરી વિચારવૃત્તિ ધરાવતા જીવોથી જ્યારે ધરા થાકી ગઈ ત્યારે સંસારના અન્ય જીવને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા, પરંતુ આ તમામ અવતારોમાં જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યાવતાર શ્રીકૃષ્ણને જ મળ્યું છે. આથી બીજો પ્રશ્ન એ થાય કે કૃષ્ણ રૂપને, સ્વરૂપને અને કૃષ્ણ અવતારને જ આ બહુમાન શા માટે મળ્યું ?

શ્રીકૃષ્ણએ સમગ્ર સૃષ્ટિના વ્યાપને એની ભવ્યતાને, એનાં માન અને મર્યાદાને, એનાં સુખો અને દુ:ખોને, સાંસારિક જીવનની મહત્તા, મહત્ત્વતા અને એના સંપૂર્ણ રૂપને જેણે નિખાલસપણે સ્વીકારી લીધું છે તે કેવળ શ્રીકૃષ્ણ છે. તેથી મનુષ્યને પોતાની જેમ જ સહજતાથી જીવનની સામે સન્મુખ થયેલા શ્રીકૃષ્ણ પૂર્ણ લાગે છે.

તેથી જ સમગ્ર સંસારના ઉદ્ધારના ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમરૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે. પુરાણોએ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે. જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તાહર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્ત્વવાળા છે, પરંતુ તે પ્રેમ પણ પ્રભુની માયાનો જ એક ભાગ છે તો પછી એ માયા તત્ત્વવાળા પ્રભુ સૃષ્ટિમાં અવતાર શા માટે લે છે?

જેમ જ્ઞાની પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે તે રીતે પ્રભુની નિરાકાર અને નિરંકુશ શક્તિની પરીક્ષા પણ મનુષ્યાવતારરૂપે થાય છે, આથી સૃષ્ટિના પાલનકર્તા પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરીને ભૂમિ પર આવે છે અને મનુષ્યની જેમ જ ક્રીડા કરી સંસારને ચલાવનાર ધર્મના આત્માને પ્રગટ કરે છે.

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન ધર્મને ધારણ કરીને અવતાર લે છે. ઉપનિષદમાં કહ્યું છે કે અવતાર એટલે કે ઊંચા ક્ષેત્રમાંથી નીચે આવતું તે. ભગવાન પોતે પોતાના પૂર્ણત્વ પામેલી નિશ્ચલ સ્થિતિની અંદર નિરાકાર અને નિરંજનરૂપે ઉચ્ચ સ્થાને બિરાજમાન રહી ફર્યા કરે છે, પરંતુ એ જ નિરાકાર શક્તિ જ્યારે પોતાનું ઉચ્ચ આસન છોડીને જ્યારે પણ ભૂમિ પર અાવૃત્ત થાય છે.

ત્યારે સંસારનાં સમસ્ત ધર્મચક્ર, ઋતુઓ અને સમયના પરિબળનું ખંડન થાય છે અને આ ખંડિત થયેલ ચક્રની અંદર પ્રભુ અવતાર ધારણ કરીને પોતાની લીલાનો પ્રારંભ કરે છે. વેદોમાં કહ્યું છે કે જ્યારે સંસારમાં રહેલ સચરાચર સૃષ્ટિ પર અનાચાર, અસત્યનો ભાર વધી જાય છે ત્યારે અસુરો અને અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે આ સમય દરમ્યાન સચરાચર સૃષ્ટિ પર ભય છવાતાં સત્ય, સતજનો અને ધર્મના ઉત્કર્ષ માટે પ્રભુ ભૂમિ પર અવતાર ધારણ કરે છે.

પહેલા સાત અવતારો જે કાર્ય ન કરી શક્યા તે તમામ કાર્યને અષ્ટમ્ અવતાર શ્રીકૃષ્ણએ પોતાના આ એક જીવનકાર્ય દરમ્યાન કર્યાં છે, તેથી પ્રભુનાે આ અવતાર પૂર્ણ પુરુષોત્તમ તરીકે છે. •

You might also like