પ્રકૃતિનો વસંતોત્સવ છે, વસંતવિલાસ

વસંતવિલાસ એવું ફાગુ છે જેની રચના પાછળ કોઈ કાવ્યેતર પ્રયોજન નથી.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે, ઋતુણાં કુસુમાકરઃ અર્થાત્ ઋતુઓમાં વસંત છું. આપણે પણ વસંતને ઋતુઓના રાજા તરીકે સ્વીકારીએ છીએ. વસંતના આગમન સાથે જ વૃક્ષો નવપલ્લવિત થવા લાગે છે. વનરાજી ખીલે છે. પુષ્પો મઘમઘે અને આમ્રમંજરીની તીવ્ર સુગંધ ચિત્તને ભરી દે છે. કોયલ એનાથી પ્રભાવિત થઈને સ્વાભાવિકપણે ટહુકવા લાગે છે.

ભારતીય ઉપખંડમાં ફાગણ અને ચૈત્ર વસંતના મહિના ગણાયા છે. મહાસુદ પાંચમ, વસંતપંચમી પછી સૂર્યરાશિ સંક્રમણ મુજબ શિવરાત્રિ પછી વસંત એના શ્રેષ્ઠ સ્વરૃપે ફાગણમાં જોવા મળે છે. દરેક દેશમાં ઋતુવર્ણનનું અને એમાંય ખાસ તો, વસંત ઋતુનું સાહિત્ય છે. આપણે ત્યાં તો ઋતુવર્ણનના ઉત્તમ ઉદાહરણરૃપ ઋતુસંહાર ઉપલબ્ધ છે. વસંત આમ પણ કામદેવની ઋતુ છે. મદનોત્સવના આ દિવસોમાં વાતાવરણ એવું માદક બને છે કે કામદેવને પોતાનાં આયુધો તીક્ષ્ણ કરવાની સરસ તક સાંપડે છે. એ રીતે વસંત સાથે શૃંગારનો સંબંધ રચાયો છે.

શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા’માં ‘ફગ્ગુ’ શબ્દનો અર્થ ‘વસંતોત્સવ’ના અર્થમાં આપ્યો છે. ફાગુ શબ્દનો એક અર્થ ‘ફગવો’ એટલે કે ‘હોળીનો ઘેરૈયો’ એવો પણ છે. આપણે ત્યાં અકારણ વિલંબ સંદર્ભે ‘ફાગ ખેલી આવ્યા’ જેવો કટાક્ષયુક્ત રૃઢિપ્રયોગ પણ પ્રચલિત છે.

મધ્યકાળના ગૂર્જર સાહિત્યમાં વસંત ઋતુને અનુલક્ષીને જે કાવ્યપ્રકાર ખીલ્યો, એ ‘ફાગુ’કાવ્ય. ફાગુ ભરપૂર ઊર્મિપ્રધાન કાવ્યપ્રકાર છે. એટલે ગેયત્વ એમાં નિહિત છે જ. ફાગુ મુખ્યત્વે વસંતના વર્ણન કરતાં કાવ્ય છે. ફાગુથી નાનો પણ એક ‘ધમાલ’ કાવ્યપ્રકાર છે. જેમાં કાવ્ય સાથે વાજિંત્રોનો કલનાદ પણ એટલો જ મહત્ત્વનો છે. વિક્રમની ૧૪મીથી ૧૯મી સદી સુધી ફાગુનો ઠીક વિકાસ થયો. મુખ્યત્વે જૈનમુનિકવિઓ ઉપરાંત અનેક જૈનેતર કવિઓ દ્વારા મળેલાં કુલ દોઢસો ઉપરાંત ફાગુઓમાં ઘણાં ઉત્તમ ફાગુ મળ્યાં એમાં કાવ્યતત્ત્વની દૃષ્ટિએ એક શ્રેષ્ઠ કૃતિ છે અજ્ઞાત કૃત ‘વસંતવિલાસ’.

આંતરયમકવાળા દૂહાની સળંગ ૮૪ કડીમાં લખાયેલું ‘વસંતવિલાસ’ ફાગુ, પ્રકૃતિવર્ણન, રસનિરૃપણ, અલંકારવૈભવ અને ભાષાલાલિત્યની દૃષ્ટિએ કાવ્યરસિકોને આકર્ષે એવી સુશ્લિષ્ટ રચના છે અને એથી જ એ લોકપ્રિય બન્યું છે. ફાગુકાવ્યોમાં જો સૌથી વધુ હસ્તપ્રતો કોઈની થઈ હોય તો વસંતવિલાસની જ છે અને વસંતવિલાસને જ આધુનિક સમયમાં સૌથી વધુ સંપાદનો અને અનુવાદો માટે કેશવ હર્ષદ ધ્રુવથી માડીને કાન્તિલાલ વ્યાસ, કે.કા.શાસ્ત્રી, મધુસૂદન મોદી, નોર્મન બ્રાઉન, માતાપ્રસાદ ગુપ્તા વગેરે જેવાં વિદ્વત્જનોનો લાભ મળ્યો છે. એના રચનાકાળ વિશે ઉપરોક્ત વિદ્વાનો સહિત મુનિ જીનવિજયજી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી વગેરેએ વિશદ ચર્ચાવિચારણા કરી છે. એ આધારે વસંતવિલાસનો રચનાકાળ વિ.સં. ૧૪૦૦ની આસપાસનો માનવામાં આવે છે. વસંતવિલાસના રચનાકાર વિશે પણ ઘણી વિશદચર્ચાઓ થઈ છે. ફાગુની છેલ્લી બે પંક્તિઓમાં મુંજ, રત્નાગર, ગુણવંત, નતર્ષિ જેવા કર્તાવાચક શબ્દો મળે છે, પરંતુ એ બાબતે ઉપરોક્ત વિદ્વાનો સહિત એન.સી.મહેતા, સારાભાઈ નવાબ, ક.મા.મુનશી, ઉમાશંકર જોશી, એચ.ડી.વેલનકર વગેરેની સમગ્ર ચર્ચાને અંતે સર્વાનુમતે કર્તાનું કોઈ નામ નક્કી થઈ શક્યું નથી. એટલે આ ફાગુનો ઉલ્લેખ ‘અજ્ઞાત કૃત વસંતવિલાસ ફાગુ’ એ રીતે કરવામાં આવે છે.

વસંતવિલાસ એવું ફાગુ છે જેની રચના પાછળ કોઈ કાવ્યેતર પ્રયોજન નથી. એમાં કોઈ ધાર્મિક કે ધર્મેતર કથાનક કે વ્યક્તિ વિશેષ નથી. એના નાયક અને નાયિકા ફાગુની પ્રચલિત પદ્ધતિ કરતાં નોખા-અનોખા યુવક સમુદાય અને યુવતી સમુદાય છે. એમાં વસંત ઋતુનું આગમન, વિરહિણીઓની વ્યાકુળતા, પ્રિયતમનું મિલન થતાં અનુભવાતોે ઉલ્લાસ અને અંતે સુખોપભોગ-એમ ક્રમિક નિરૃપણ થયું છે. મૂળ ૮૪ પંક્તિનું વસંતવિલાસ એ અબીલગુલાલ ઉડાડતું ઉમંગ અને ઉલ્લાસનું કાવ્ય છે. યુવાનોની મધુર મહેફિલનું કાવ્ય છે. વસંતઋતુમાં મલયસમીરની ચિત્ત ઉપર એવી પ્રબળ અસર થાય છે કે એકલા નીકળેલા પ્રવાસીઓ વિરહવ્યાકુળ થવા લાગે છે. રતિપતિ કામદેવનું વર્ણન પણ એનાં આયુધો સહિત મનમોહક છે.

વસંતવિલાસનું એક પ્રબળ પાસંુ છે એની બાહ્યાંતર સમૃદ્ધિ. આંતરયમકની સંકલના પહેલી કડીથી જ ભાવકનું ધ્યાન ખેંચે છે. આ સુગેય કૃતિ છે જેમાં માત્રામેળ છંદ, દૂહાનો વિનિયોગ થયો છે. ૨૪ માત્રાના છંદોમાં દૂહા કે દોહરા કે દૂહા-રોળામિશ્રિત પંક્તિઓ જરૃરી રાગલયમાં લાંબીટૂંકી ગાઈ શકાય એવી છે. મેઘદૂતમાં કાલિદાસે પ્રકૃતિવર્ણન અને શૃંગારનું આલેખન કર્યું છે. એની સાથેના થોડાક ભેદને સ્વીકારીને કહીએ તો ‘વસંતવિલાસ એ ગુજરાતનું મેઘદૂત છે’ એવો ચંદ્રશંકર ભટ્ટનો મત સર્વથા ઉચિત છે. વસંતવિલાસમાં નથી કોઈ નાયક-નાયિકા કે નથી કોઈ ઘટના, નથી કોઈ કથાવસ્તુ, તેમ છતાં કેવળ સૌંદર્ય અને ભાવરસની એક અનુપમ રસસૃષ્ટિ આ ફાગુના સર્જકે સર્જી દીધી છે. માત્ર પ્રકૃતિસૌંદર્યના નિરૃપણને આધારે નરનારીના સર્વસામાન્ય શૃંગારભાવની રસાત્મકતાએ વસંતવિલાસની કાવ્યસૃષ્ટિ છે. એ અજ્ઞાત કવિની અદ્વિતીય સિદ્ધિ તો એ છે કે આમ છતાં પણ રસાસ્વાદમાં લગીરેય રસક્ષતિ થતી નથી. રતિભાવ, શૃંગારરસને પ્રમુખતા આપીને કવિએ એના ઉદ્દીપન માટે વસંતશ્રીના વર્ણનને સુપેરે ગૂંથી લીધું છે. એના કારણે જ પ્રકૃતિવર્ણન અને શૃંગારરસ સાગમટે અહીં અભિન્નરસ તરીકે વહે છે.

એક રીતે તો આ ફાગુકાવ્ય બે બિન્દુઓ વચ્ચે વિસ્તર્યું છે. આરંભબિન્દુ કવિએ કરેલી સરસ્વતીદેવીની વિનમ્રભાવે કરેલી અર્ચના છે અને કાવ્યનું અંતિમબિન્દુ કવિએ વસંતવિલાસ ગાનારાને ગુણવંત કહી, અભિનંદ્યા, એ છે. આરંભના ભક્તિભાવ અને અંતના આત્મવિશ્વાસ વચ્ચે જે સર્જનકર્મ થયું તેમાં જે કલાત્મકતા અને રસાત્મકતા સિદ્ધ થઈ એમાંથી કવિનો આત્મવિશ્વાસ પ્રગટ્યો છે.

બીજી દૃષ્ટિએ આ ફાગુ કાવ્યકૃતિનું નામ પણ સૂચક છે. વસંત દ્વારા પ્રકૃતિ અને વિલાસ દ્વારા શૃંગાર સૂચિત થાય છે. વસંતોત્સવનું આલેખન કૃષ્ણભક્તિના પદોમાં પણ મળે છે અને દોલોત્સવ પણ ઊજવાય છે. કવિ ન્હાનાલાલ તો પોતાને ‘વસંતધર્મી કવિ’ તરીકે ઓળખાવે છે. રવીન્દ્રનાથે પણ પોતાના કંઈકેટલાંય ગીતોમાં વસંતના સૌંદર્યને મનભરીને ગાયું છે. વસંતવિલાસની પુષ્પસૃષ્ટિ જુઓ ઃ અશોક, શાલ, કેતકી, મલતી, ચંપો, બકુલ, રાતાં પાટલપુષ્પ, કરેણી, કમળ, ડમરો, મરુઓ, વાળા, જાઈ, બેઉલ, કુંદ, નવમાલિકા  એવાં કેટકેટલાં પુષ્પોેનાં રૃપ, રંગ અને સુગંધથી વન અને વસંતવિલાસ માણતાં જનના-મનના ઉલ્લાસનો ભરપૂર ઉછાળ વર્ણવી કવિએ

પ્રકૃતિનિરૃપણની આગવી વિશેષતા દાખવી છે. ભરતના રસસૂત્ર મુજબ ભાવાનુભાવસંચારી સંયોગાત્ રસનિષ્પત્તિઃ એટલે કે ભાવ, વિભાવ, અનુભાવ અને સંચારીભાવના સંયોગથી રસનિષ્પત્તિ થતી હોય છે. આ ફાગુમાં પણ એ સિદ્ધ થાય છે. એ રીતે શૃંગારરસ

વિપ્રલંભશૃંગાર અને સંભોગશૃંગાર સ્વરૃપે પ્રગટે છે. એટલે જ ઉમાશંકર જોશી કહે છે કે, ‘આખું કાવ્ય સુશ્લિષ્ટ ભાવસંકલનાવાળી રચના લાગે છે. એકેય અંગ શિથિલ નથી, તેમ સપ્રમાણતા અંગે પણ કોઈ આંગળી કરી શકે એમ નથી.’ વસંતવિલાસનો શૃંગારરસિક કવિ માનવભાવો અને જુદી-જુદી પરિસ્થિતિમાં તેનાં પ્રચલનોનો બરોબર જાણકાર છે. એ જેમ નારીસૌંદર્યનો પારખુ છે, એથી વિશેષ કામશાસ્ત્રનો પૂરેપૂરો જ્ઞાતા હશે એમ જણાય છે. તેથી જ એણે માત્ર વિરહમાં જ નહીં, પણ મિલનમાં પણ વિસંવાદની વિવિધ સ્થિતિઓને આલેખી હશેે.

વસંતવિલાસને એક સર્વાંગસુંદર રસાત્મક સુચારુ કૃતિ તરીકે સૌ સંપાદકો-અભ્યાસીઓએ એક અવાજે વખાણી છે. આ કૃતિના પહેલાં સંપાદક કે.હ.ધ્રુવે વસંતવિલાસને ચમક ચમક થતી ચાંદરણી જેવું કાવ્ય છે, કવિની બાની અત્યંત મધુર અને ભાવભરી છે. ઉજ્જવલ શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્ય અને રસનું પોષણ કરે છે, શૈલી સંસ્કારી છે. વસંતવિલાસનો હૃદયરાગ, એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કંઈ મનોહર છે. વસંતવિલાસની કડીએ-કડીએ જીવનનો ઉલ્લાસ ઊભરાઈ જાય છે’..એમ કહીને બિરદાવી છે. એક રીતે આ ફાગુ નિમિત્તે એમાં વસંતનો જ મહિમા થયો છે. ખરા અર્થમાં, માત્ર ૮૪ પંક્તિઓમાં કોઈ પણ જાતના ધર્મોપદેશ સિવાય નિતાંત સુંદર રીતે પ્રકૃતિના માધ્યમથી શૃંગારનું વર્ણન, ‘વસંતવિલાસ’ ફાગુને ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ તરીકે સ્થાપિત કરે છે.

——————————–.

You might also like