અનંતનાગમાં આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને SPOની હત્યા કરી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ આતંકવાદી હુમલાઓ થયા છે. પ્રથમ હુમલામાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજ‌િબહાડામાં શકમંદ આતંકવાદીઓએ ઘરમાં ઘૂસી જઈને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) મુશ્તાક અહમદ શેખની હત્યા કરી હતી. આતંકીઓના ફાયરિંગમાં શેખની પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. તેમને બીજબિહાડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પોલીસ વિભાગમાં રજા લઈને એસપીઓ દાશનીપોરા વિસ્તારમાં પોતાના કાટુ વાજપાન ગામ ગયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ એસપીઓ મુશ્તાક અહમદ શેખ પર જિલ્લાના બીજબિહાડા વિસ્તારમાં આવેલ તેમના નિવાસસ્થાન પર ફાયરિંગ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલામાં એસપીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમનાં પત્ની ફરીદાને ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આતંકવાદીઓએ ગઈ કાલે સાંજે શોપિયામાં સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો, જોકે આ હુમલામાં કોઈ ખુવારી થઈ હોવાના સમાચાર નથી. આ ઉપરાંત એક અન્ય ઘટનામાં આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના ચાન્સરમાં એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું અને અધિકારીના જણાવ્યા પ્રમાણે શાયરવની નામની આ વ્યક્તિને પગમાં ગોળી વાગી હતી.

You might also like