મસાલા બનાવતી ફેકટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી

અમદાવાદ: નારોલ વિસ્તારમાં આવેલી મસાલા બનાવતી એક ફેકટરીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થવા પામી નથી, પરંતુ આગ હજુ સુધી કાબૂમાં ન આવતાં ફાયર બ્રિગેેડના કાફલાએ આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ રાખી છે.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે નારોલમાં તુલસી હોટલની નજીક સિકયોરિટી એસ્ટેટમાં આવેલ જલારામ મસાલા ભંડાર નામની મસાલા બનાવતી ફેકટરીમાં ગત રાત્રે ૧ર-૦૦ વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટાના કારણે આજુબાજુના લોકોઅે ભયના કારણે નાસભાગ કરી મૂકતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના કાફલાએ ફાયર ફાઇટર અને વોટર ટેન્કરો સાથે તાબડતોબ પહોંચી જઇ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા, પરંતુ આગ હજુ સુધી કાબુમાં આવી નથી. જોકે સમયસૂચકતાના કારણે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થવા પામી નથી. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ ફેકટરીની ફરતે કોર્ડન કરી લોકોની અવરજવર અટકાવી દીધી હતી. આ લખાય છે ત્યારે પણ આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

You might also like