આ વેકેશનમાં બાળકો સાથે જાવ ભારતના આ સ્વિટ્ઝરલેન્ડમાં

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં 6075 ફૂટથી વધારે ઉંચાઈ પર વસેલું છે સુંદર હિલ સ્ટેશન કૌસાની. કૌસાનીને ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવામાં આવે છે. કૌસાની પહોંચીને તમને હિમાલયની 350 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલી પર્વતમાળાઓ એક જ જગ્યાએથી જોવાનો લ્હાવો મળશે. પહાડો પરથી નીચે જોશો તો કટૌરી ઘાટી અને ગોમતી નદી તમારું મન મોહી લેશે. કૌસાની પિંગનાથ શિખર પર વસેલું છે. અહીંથી નંદા દેવી પર્વતના શિખરને નજીકથી જોઈ શકાય છે. આ સુંદર નજારો જોવા માટે દેશ-દુનિયાના ટૂરિસ્ટ કૌસાની આવે છે. રુદ્રધારી ફોલ્સ, લક્ષ્મી આશ્રમ, ગાંધી આશ્રમ અને ટી એસ્ટેટ અહીંના ફેવરિટ ટૂરિસ્ટ પોઈન્ટ્સ છે.

કઇ રીતે પહોંચશો:
-દિલ્હીથી કૌસાની 410 કિલોમીટર દૂર છે.
-દિલ્હીથી કૌસાની પહોંચવા માટે લગભગ 9-10 કલાકનો સમય લાગશે.
-નૈનીતાલથી કૌસાની 120 કિલોમીટર દૂર છે, જ્યારે અલ્મોડાથી કૌસાની માત્ર 50 કિલોમીટર દૂર છે.
-કૌસાનીથી નજીકનું એરપોર્ટ પંત નગર છે. જો કે એરપોર્ટ પણ અહીંથી લગભગ 180 કિલોમીટર દૂર છે.
-નૈનિતાલ કૌસાનીથી 120 કિલોમીટર દૂર છે.
-સૌથી નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે, ત્યાંથી અલ્મોડા થઈને લગભગ 140 કિલોમીટર દૂર કૌસાની પહોંચી શકાય.
-માર્ચથી જૂનની વચ્ચે કૌસાની ફરવા માટે બેસ્ટ સિઝન છે, ત્યાર પછી સપ્ટેમ્બરથી નવેમ્બર પણ સારો સમય છે.

રુદ્રધારી ફોલ્સ:
હરિયાળા ખેતરો, ઉંચા-ઉંચા દેવદારના ગાઢ જંગલોની વચ્ચે આવેલા રુદ્રધારી ફોલ્સને જોવા પણ એક અદ્દભુત લ્હાવો છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ આદિ કૈલાશ છે. અહીં ભગવાન શિવ અને વિષ્ણુનું નિવાસસ્થાન હતું. રુદ્રધારી ફોલ્સ સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલ નથી. કૌસાની પાસે 12 કિલોમીટર ટ્રેકિંગ કરીને અહીં પહોંચી શકો છો. ઠંડા પાણીનું આ ઝરણું ઘણી વધારે ઉંચાઈ પરથી પડે છે. ઝરણાની સાથે પ્રાચીન ગુફા અને સોમેશ્વર મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.

અહીંયા ગાંધીજીએ લખ્યું હતુ પુસ્તક:
કૌસાનીનો આશ્રમ પણ ચર્ચામાં છે. અનાશક્તિ આશ્રમને આશ્રમનેગાંધી આશ્રમના નામે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, 1929 આસપાસ મહાત્મા ગાંધી આશ્રમમાં બે અઠવાડિયા માટે રોકાયા હતા. આ દરમિયાન તેમણે અનાસક્તિ યોગ પર એક પુસ્તક લખ્યુ હતું. આશ્રમના એક ભાગમાં મ્યુઝિયમ છે. અહીં જૂની તસવીરો અને ચરખો સહિત તમામ યાદગાર વસ્તુઓનો સંગ્રહ છે.

સુમિત્રા નંદન પંતની જન્મસ્થળ:
સુમિત્રા નંદન પંતનું મ્યુઝિયમ કૌસાનીનું આકર્ષણનું કેન્દ્ર છે. હિન્દીના પ્રખ્યાત કવિ સુમિત્રા નંદન પંતનો જન્મ કૌસાનીમાં થયો હતો. આજે જ્યાં મ્યુઝિયમ છે, ત્યાં પંતજીએ બાળપણ પસાર કર્યુ હતુ. તેમણે લખેલા અંગ્રેજી અને હિન્દી પુસ્તકો અહીં મુકવામાં આવ્યા છે.

ટી એસ્ટેટ:
ટી એસ્ટેટની મુલાકાત લીધા વિના કૌસાનીની યાત્રા અધુરી છે. પ્રકૃત્તિથી સૌથી નજીક જવાનો અનુભવ તમને અહીં મળશે. અહીં લગભગ 210 હેક્ટર વિસ્તારમાં ચાના બગીચા છે. અહીં જાતજાતની ચાની ખેતી કરવામાં આવે છે. અહીં તમે ઓર્ગેનિક ટી ખરીદી શકો છો. અમુક પ્રકારની ચા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કોરિયા સુધી એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કૌસાની ફરવા જાઓ તો ઠેઠ કૌસાની ચા ચોક્કસ પીજો અને યાદગીરી માટે ચા ખરીદીને ઘરે પણ લઈ જજો.

આલુ ગૂટકા:
આ સિવાય ચાની સાથે આલૂ ગુટકા ખાવામાં આવે છે. આલૂ ગુટકા અહીંની લોકલ વાનગી છે.

બાલ મિઠાઇ:
કૌસાની અને આસપાસના પહાડી શહેરોની બાલ મિઠાઈ પણ વર્લ્ડ ફેમસ છે. દૂધને કલાકો સુધી ઉકાળીને આ મિઠાઈ બનાવવામાં આવે છે. લોકલ જ નહીં, ટૂરિસ્ટ્સ પણ બાલ મિઠાઈને પસંદ કરે છે અને ખરીદીને પોતાના ઘરે પણ લઈ જતા હોય છે.

You might also like