નારાજ વિજેતાઓને સ્પીડ પોસ્ટથી મોકલાશે નેશનલ ફિલ્મ એવોર્ડ

નવી દિલ્હી: સરકારે ૬પમા નેશનલ ફિલ્મ એવોર્ડના વિતરણ સમારંભમાં થયેલા વિવાદને જોતાં મોટી સંખ્યામાં સમારંભને બાયકોટ કરનાર વિજેતાઓને તેમનો એવોર્ડ અને સર્ટિફિકેટ મોકલવાની યોજના બનાવી છે. આ માટે સરકાર સ્પીડ પોસ્ટનો સહારો લેશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નેશનલ એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્વારા બધાને એવોર્ડ ન આપવાના નિર્ણયને લઇને સન્માન મેળવનાર વિજેતાઓમાં ખાસ્સી નારાજગી અને વિરોધ જોવા મળ્યો. કુલ પપ લોકોએ આ સન્માન ન લેવાનું નક્કી કર્યું. સૂચના અને પ્રસારણ મંત્રાલયે નક્કી કર્યું કે તમે સન્માનથી ગમે તેટલા દૂર રહેવા ઇચ્છો, પરંતુ તમારો એવોર્ડ તમારા ઘરે પહોંચી જશે.

મંત્રાલયે મોટી સંખ્યામાં વિજેતાઓના ન આવ્યા બાદ આ એવોર્ડને મોકલવાની રીત પર વિચાર કર્યો.
સૂત્રોના જણાવ્યા મુજબ સમજી વિચારીને નક્કી કરાયું કે દરેક વખતની જેમ અા વખતે પણ સ્પીડ પોસ્ટના સહારે આ સન્માનને વિજેતાઓના ઘરે પહોંચાડાશે. દર વર્ષે લગભગ ત્રણ-ચાર વિજેતાઓ દેશમાં ન હોવાને કારણે અથવા સ્વાસ્થ્ય કારણે એવોર્ડ લેવા આવી શકતા નથી. આ સ્થિતિમાં મંત્રાલય સ્પીડ પોસ્ટ દ્વારા વિજેતાઓને આ સન્માન ઘરે મોકલાવે છે.

મંત્રાલય સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં વિજેતાઓએ કાર્યક્રમને મિસ કર્યો. આવા સંજોગોમાં તેમનું સન્માન ઘરે મોકલાવાશે. એવું કહેવાય છે કે ડાયરેકટ્રેક ઓફ ફિલ્મ ફેસ્ટિવલ ખૂબ જ જલદી મોકલવાની પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે કુલ ૧૩૩ વિવિધ કેટેગરીમાં નેશનલ એવોર્ડ અપાયા. જેમાંથી માત્ર ૭૮ લોકો સન્માન લેવા પહોંચ્યા. રાષ્ટ્રપતિ દ્વારા માત્ર એક કલાકનો સમય નક્કી કરાવાને કારણે તમામને તેમના હાથે એવોર્ડ મળે તે શકય નહોતું.

ત્યાર બાદ સૂચના મંત્રાલયે માત્ર મુખ્ય કેટેગરીના ૧૧ સન્માન રાષ્ટ્રપતિના હાથે આપવાનું નક્કી કર્યું. બાકી સન્માન સૂચના અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાની અને રાજ્ય પ્રધાન રાજવર્ધનસિંહ રાઠોડે વહેંચ્યા. સન્માનમાં આ ભેદભાવને કારણે વિજેતાઓએ નારાજગી વ્યકત કરી.

You might also like