સ્થાપના દિવસ વિશેષ:ગુજરાતની ગઇકાલ અને આજ

આજે મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ છે, ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા.

આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. આ દિવસની ઉજવણીને ગૌરવ દિવસ તરીકે પણ કરવામાં આવે છે.

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાપના દિને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે. આ દિવસે રાજ્ય સરકાર દ્વારા ઠેર-ઠેર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજવવામાં આવે છે અને સાથે સરકારી ઇમારતોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવે છે.

એક સમય હતો જ્યારે ગુજરાતની સ્થાપના થઇ તે પહેલા કેટલીય બાબતોના સમાવેશ બાદ ગુજરાત અલગ રાજ્ય બન્યું છે. ગુજરાત અલગ દરજ્જો બનવા પાછળ મહાગુજરાત આંદોલને મહત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ ૧૯૫૬માં શરૃ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ૬૦ વર્ષ પહેલા શરૃ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું.

નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભી ઉભી કરી લોકોની લાગણીને સાંકેતિક રીતે વાચા આપી હતી. માટે એ સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો છે. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારે ઝુકવું પડયું હતુ. અને અંતે ગુજરાત અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. આ આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા.

ગુજરાતની આ સ્થાપના બાદ અલગ રાજ્યની રચના થયા બાદ ગુજરાતની અલગ વ્યવસ્થા રચાઇ અલગ વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા બન્યા અને સરકાર રચાઈ. આજ સુધીમાં ગુજરાતે 16 મુખ્યમંત્રી આપ્યા છે. જેમાં બળવંતરાય મહેતા,હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ,ઘનશ્યામભાઈ ઓઝા,ચીમનભાઇ પટેલ,નરેન્દ્ર મોદી, આનંદી બેન પટેલ અને હાલના વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓએ ગુજરાતનું સંચાલન કરીને ગુજરાતના વિકાસમાં સક્રિય ફાળો નોંધાવ્યો.

You might also like