દિલ્હીમાંથી અલ કાયદાનો શકમંદ આતંકી રજા-ઉલ-અહમદ ઝડપાયો

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે આજે અલકાયદાના શકમંદ આતંકી રજા-ઉલ-અહમદને ઝડપી લીધો છે. તે નેપાળ ભાગી જવાની પેરવીમાં હતો. આ શકમંદ આતંકીની તલાશ પશ્ચિમ બંગાળ પોલીસને પણ હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકી રજા-ઉલ-અહમદને પશ્ચિમ બંગાળ પોલીસને હવાલે કરી દીધો છે. તાજેતરમાં અલ કાયદા અને આઇએસઆઇએસ સહિત કેટલાયે આતંકી સંગઠનો ફરતે સુરક્ષા એજન્સીઓએ ગાળિયો મજબૂત કર્યો છે. આ અગાઉ યુપીમાંથી પણ આઇએસનો એક શકમંદ આતંકી ઝડપાયો હતો.

આ અગાઉ આ સપ્તાહે ઉત્તર પ્રદેશના દેવબંધથી યુપી એટીએસને બાંગ્લાદેશી આતંકી અબ્દુલ્લાને ઝડપી લેવામાં સફળતા મળી હતી. આતંકી અબ્દુલ્લાનો સાથી ફૈઝાન ફરાર થઇ ગયો છે. ફૈઝાનના રૂમમાંથી ઉર્દૂ-બાંગ્લા જેહાદી સાહિત્ય ઉપરાંત બગદાદીનું ઘોષણાપત્ર, બોમ્બ બનાવવાનું પુસ્તક, આતંક અને આઇએસઆઇ સાથે સંકળાયેલ સાહિત્ય પણ મળી આવ્યું હતું.

શકમંદ ફૈઝાનના રૂમમાંથી એટીએસએ અલ કાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટની ત્રીજી આવૃત્તિ પ્રાપ્ત થઇ છે. આઇકયુઆઇએસના પ્રમુખ અસીમ ઉમ્રની બુક પણ તેના રૂમમાંથી મળી આવી હતી. ર૦૧૧માં તે બાંગ્લાદેશથી ભારત આવ્યો હતો અને ચૂપચાપ દારુલ ઉલુમની પાસે રહેવા લાગ્યો હતો.

You might also like