આગામી બે સપ્તાહ GST રિફંડ માટે ખાસ અભિયાન ચલાવાશે

અમદાવાદ: કેન્દ્ર સરકારે જીએસટી રિફંડ માટે રૂ. ૩૦,૦૦૦ કરોડથી વધુની રકમને મંજૂરી આપી દીધી છે, જેમાં આઇજીએસટીના રૂ. ૧૬ હજાર કરોડ અને આઇટીસી ઇનપુટ ટેક્સ ક્રેડિટના રૂ. ૧૪,૦૦૦ કરોડ સામેલ છે. ઇન ટેક્સ ક્રેડિટના આંકડામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી સામેલ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ રૂ. ૧૪,૦૦૦ કરોડ સુધીના રિફંડના દાવાઓ સરકાર પાસે પેન્ડિંગ છે, જેમાં આઇજીએસટીના રૂ. ૭,૦૦૦ કરોડ અને આઇટીસીના રૂ. ૭,૦૦૦ કરોડ સામેલ છે. સરકાર આજથી આગામી ૧૪ જૂન, ૨૦૧૮ સુધી ફરી એક વાર રિફંડ માટે સ્પેશિયલ અભિયાન શરૂ કરી રહી છે.

આ સમયગાળા દરમિયાન સરકાર પેન્ડિંગ રિફંડના દાવાઓ પર ફોકસ કરશે. સીજીએસટી અને સ્ટેટ જીએસટીના અધિકારીઓ ૩૦ એપ્રિલ, ૨૦૧૮ પૂર્વે જીએસટી રિફંડના દાવાઓની પતાવટ કરવાનો પ્રયત્ન કરશે, જેમાં િનકાસકારના રિફંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડ સહિત અન્ય રિફંડ સામેલ છે.

સરકારના પરિપત્રમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ, સ્પેશિયલ ઇકોનોમી ઝોનના રિફંડ ઓર્ડર ક્લેઇમ સંબંધિત વિવાદિત મુદ્દે વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

નિકાસકાર રિફંડ સંબંધી લેટેસ્ટ સ્થિતિ જાણી શકશે
આઈજીએસટી અંતર્ગત રિફંડના દાવેદાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે તથા રિફંડની લેટેસ્ટ સ્થિતિ અંગે જાણકારી મેળવી શકશે. નિકાસકારોની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇને સરકારે આ પ્રકારનું પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગે નિકાસકારના રિફંડ સંબંધી વ્યાપક ફરિયાદો બહાર આવી છે.

You might also like