પનામા પેપર લીક: સ્પેનના ઉદ્યોગ પ્રધાનનું રાજીનામું

મેડ્રિડ: પનામા પેપર લીક મામલે સ્પેનના ઉદ્યોગ પ્રધાન જોસ મૈનુઅલ સોરિયાએ ગઈ કાલે રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત તેમણે સંસદના સભ્યપદ પરથી પણ રાજીનામું આપી દેતાં આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.
જોસના રાજીનામાંથી રૂઢિવાદી પોપ્યુલર પાર્ટીને ભારે આંચકો લાગ્યો છે. પનામા પેપર લીક કેસમાં ડાબેરી અને દક્ષિણપંથી વિપક્ષી પાર્ટીઓએ તેમના રાજીનામાની માગણી કરી હતી. પનામા દસ્તાવેજ પનામાની કાનૂન પરામર્શદાતા કંપની મોજેક ફોંસેકાના લગભગ 1.15 કરોડ લીક દસ્તાવેજનો સંગ્રહ છે. આ કંપની નાણાકીય પ્રબંધનની નિષ્ણાત છે અને તેના ગ્રાહકોને તેમના દેશમાં ટેક્સની ચુકવણીમાંથી બચાવવાની કામગીરી કરે છે.

આંતરરાષ્ટ્રીય મીડિયાના એક સમૂહના જણાવ્યા અનુસાર આ મામલે સંશોધન કરતા પત્રકારોના આંતરરાષ્ટ્રીય સંઘે કેટલાંક અજાણ્યા સૂત્રના માધ્યમથી આ દસ્તાવેજ લીક કરાવ્યા છે. આ દસ્તાવેજોમાં સમગ્ર વિશ્વના 72 પૂર્વ અને વર્તમાન નેતા સહિત 140 રાજકારણીઓ અને અધિકારીનાં નામ સામેલ છે. જેમણે ટેક્સની ચુકવણીમાંથી બચવા માટે આ કંપનીની મદદ લીધી હતી. પનામા પેપર લીક મામલે સ્પેનના ઉદ્યોગ પ્રધાને એકાએક રાજીનામું આપી દેતાં હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

You might also like