અંતરિક્ષમાંથી ભેદી અવાજ આવતાં દુનિયાના વિજ્ઞાનીઓમાં ખળભળાટ

નવી દિલ્હી: અંતરિક્ષમાંથી આવેલા એક રહસ્યમય અવાજને લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો અને વેધશાળાઓમાં ખળભળાટ મચી ગયો છે. પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં અન્ય કોઈ સ્થળે જીવન છે કે કેમ તે એક રહસ્યમય અને કોયડારૂપ પ્રશ્ન છે ત્યારે અંતરિક્ષમાંથી આવેલા આ રહસ્યમય અવાજના કારણે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. વૈજ્ઞાનિકો આ અવાજનો સ્રોત જાણવાના પ્રયાસોમાં લાગી ગયા છે. અંતરિક્ષમાં એક એવો રહસ્યમય અવાજ આવ્યો છે જેના કારણે વિશ્વભરની વેધશાળાઓ પણ પરેશાન છે. અંતરિક્ષના રહસ્યમય અવાજનો સિગ્નલ એક રશિયન લેબોરેટરીના એક રેડિયો ટેલિસ્કોપે રિસિવ કર્યો હતો. જે પૃથ્વીથી ૯૫ પ્રકાશવર્ષ દૂર એક તારા-એચડી ૧૬૪૯૫ પરથી અહીં સુધી પહોંચ્યો હતો.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારના સ્પષ્ટ િસગ્નલ માત્ર કોઈ વિકસિત સભ્યતા જ મોકલી શકે છે. અત્યાર સુધી પૃથ્વી પર એવું કોઈ યંત્ર બનાવવામાં આવ્યું નથી કે જે આ પ્રકારના મજબૂત રેડિયો સિગ્નલ્સ મોકલી શકે. આ નવા અહેવાલના પગલે અમેરિકાની સંસ્થા SETIએ જ્યાંથી આ રહસ્યમય અવાજ આવ્યો હોવાનું માનવામાં આવે છે તે તારા પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર જાણકારી મળી નથી, જોકે વૈજ્ઞાનિકો હજુ પણ આ તારાનું મોનિટરિંગ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં રશિયાના ટેલિસ્કોપ ‘રતન-૬૦૦’એ આ સિગ્નલ અંતરિક્ષમાંથી ડિટેક્ટ કર્યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિગ્નલ એ વાતનો પુરાવો આપે છે કે ક્યાંકથી તે પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે. આ અંગે શોધખોળ જારી રાખી છે.

You might also like