એસીપી અને પીઆઈએ માર માર્યાનો રેશમા પટેલનો આક્ષેપ

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને જેલમાંથી મુકત કરાવવાની માગ સાથે રેશમા પટેલ અને આશિષ પટેલ ગઇ કાલે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી અનશન પર બેસતાં પોલીસે તેઓની અટકાયત કરી હતી અને તેઓને શાહીબાગ હેડકવાર્ટર ખાતે લઇ જવાયાં હતાં. જ્યાં એસીપી અર્પિતા પટેલ અને માધવપુરા પીઆઇ એમ. બી. ખીલેરીએ માર માર્યો હોવાનો રેશમા પટેલે આક્ષેપ કર્યો હતો. આ બાબતે રેશમા પટેલ આજે સવારે વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી.

પાસના કન્વીનર હાર્દિક પટેલ સહિતના પાટીદારોને જેલમાંથી છોડાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઇ કાલે વસ્ત્રાલમાં રહેતા આશિષ પટેલ અને મહેશ પટેલ તેમજ રેશમા પટેલ સહિતના પાટીદારો કલેકટર કચેરીએ આવ્યા હતા અને અનશન પર બેસવા માગ કરી હતી. અનશન માટેની મંજૂરી ન હોઇ રાણીપ પોલીસે તેમની અટકાયત કરીને તેઓને શાહીબાગ હેડકવાર્ટર લઇ જવાયાં હતાં.

દરમિયાનમાં ગઇ કાલે બનેલી આ ઘટનામાં રેશમા પટેલે આક્ષેપ કર્યો હતો કે એસીપી અર્પિતા પટેલ અને માધવપુરા પીઆઇ એમ. બી. ખીલેરી ત્યાં આવ્યા હતા અને તેને માર માર્યો હતો તેમજ તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. પોલીસે માનસિક ત્રાસ આપ્યો હોવા અંગે બંને સામે ફરિયાદ નોંધાવવા વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.

You might also like