સોયાબીનમાં હાજર બજારમાં મજબૂતાઈનાં એંધાણ

અમદાવાદ: સામાન્ય રીતે સોયાબીનનો ભાવ જૂન-જુલાઇ મહિનામાં ઘટી જતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં સોયાબીનના ભાવ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જવાની સાથે જ સ્થાનિક વાયદા બજારમાં ગરમાવો જોવાયો છે. સોયાબીનનો જુલાઇ વાયદો ૦.૮૦ ટકાના સુધારે ૩૯૦૦ની ઉપર જોવાયો છે.

કોમોડિટી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જૂન મહિનામાં વરસાદની સિઝન શરૂ થતાંની સાથે જ વાવણીના કારણે સોયાબીનના ભાવ તૂટતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે તેનાથી ઊલટું જોવા મળ્યું છે. અમેરિકામાં સોયાબીનની ઊંચી માગ જોવા મળતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોયાબીનના ભાવ બે વર્ષની ઊંચાઇએ પહોંચી ગયા છે. સ્થાનિક હાજર બજારમાં સોયાબીનનો ભાવ રૂ. ૩૭૦૦થી ૩૯૦૦ની વચ્ચે જોવા મળી રહ્યો છે. સેન્ટિમેન્ટ જોતાં સ્થાનિક હાજર બજારમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે. વેપારીઓના મત મુજબ વાયદા બજારમાં આવેલા ઉછાળાની અસરે હાજર બજારમાં પણ તેની અસર જોવાઇ શકે છે.

You might also like