દક્ષિણ ઝોનમાં ટ્રી-ગાર્ડની ખરીદીમાં ૩પ લાખનાં સિંગલ ટેન્ડરનો વિવાદ

અમદાવાદ: ચોમાસાની ઋતુમાં કોર્પોરેશન દ્વારા શહેરભરમાં વૃક્ષારોપણ કરાય છે. દર વર્ષે તંત્ર દ્વારા વૃક્ષારોપણને લગતા મોટા મોટા આંકડા પ્રસિદ્ધ કરાય છે. છેલ્લાં પાંચ વર્ષથી વૃક્ષારોપણની આંકડાકીય માહિતીને પણ જો યથાવત્ સ્વીકારીએ તો અમદાવાદ ખાસ્સું હરિયાળું બની ગયું હોત પરંતુ કાગળ પરનાં વૃક્ષારોપણની જેમ રોપાના જતન માટેનાં ટ્રી ગાર્ડની ખરીદીમાં પણ જબ્બર ગોટાળા ચાલે છે. દક્ષિણ ઝોનમાં ટ્રી ગાર્ડ ખરીદીનો રૂ.૩પ લાખનો કોન્ટ્રાક્ટ એકમાત્ર ટેન્ડરરને અપાતાં ભારે વિવાદ સર્જાયો છે.

કોર્પોરેશનના કુલ છ ઝોન પૈકી અત્યારે તો ફક્ત દક્ષિણ ઝોન માટેના ટ્રી ગાર્ડ ખરીદીની દરખાસ્ત તંત્ર દ્વારા તૈયાર કરાઇ છે. હજુ પશ્વિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન વગેરે ઝોનના ટ્રી ગાર્ડની ખરીદીના ચક્ર પૂરેપૂરાં ગતિમાન થયાં નથી પરંતુ દક્ષિણ ઝોનમાં લોખંડના ગોળાકાર ટ્રી ગાર્ડ ખરીદીની વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ આધારિત દરખાસ્તે વિવાદનાં વમળ સર્જ્યાં છે. સત્તાવાળાઓએ અંદાજીભાવથી ર૪ ટકા ઓછા ભાવના રૂ.૩૪.ર૯ લાખના એકમાત્ર ટેન્ડરને મંજૂરી આપીને ટેન્ડર આધારિત રૂ.૩૪.૯૮ લાખનો અંદાજ તૈયાર કર્યો છે. જો કે પ્રતિ નંગ ટ્રી ગાર્ડ માટે મ્યુનિસિપલ તિજોરીમાંથી કોન્ટ્રાક્ટરને કેટલા ચુકવાશે અને કુલ કેટલા નંગ ટ્રી ગાર્ડ ખરીદાશે તેવી મહત્વપૂર્ણ બાબત અંગે બાગ-બગીચા વિભાગે ભેદી મૌન પાળ્યું છે.

જો કે ટ્રી ગાર્ડ ડિઝાઇન અંગે પૂછતા બાગબગીચા વિભાગના ડાયરેકટર જિજ્ઞેશ પટેલ કહે છે, પાછલા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટ્રી ગાર્ડની ગોળાકાર ડિઝાઇન યથાવત્ રખાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક લેભાગુ તત્ત્વો જૂનાં ટ્રી ગાર્ડને ફરીથી રંગરોગાન કરીને નવા ટ્રી ગાર્ડ તરીકે ઉપયોગમાં લે છે. આવી છેતરપીંડી અટકાવવા તંત્ર દ્વારા જે તે ટ્રી ગાર્ડને ક્રમાંક આપવાની પણ અગાઉ જાહેરાત કરાઇ હતી અલબત આ જાહેરાત પણ પોકળ નીવડી છે. જો કે જિજ્ઞેશ પટેલનો એવો દાવો છે કે તંત્રના ક્રોસ ચેકિંગના કારણે કોઇ જૂનાં ટ્રી ગાર્ડનો ફરીથી ઉપયોગ કરતું નથી. દરમિયાન રીક્રિએશન કમિટીના ચેરપર્સન બીજલબહેન પટેલ ફોન ઉપાડવાની તસ્દી લેતાં નથી.
http://sambhaavnews.com/

You might also like