દક્ષિણ કાશ્મીરમાં હજારોનાં ટોળાંની હિંસા વચ્ચે પોલીસ સ્ટેશનો બંધ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લા-પુલવામા, શોપિયા, કૂલગામ અને અનંતનાગમાં સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અભાવ અને અરાજકતા પ્રવર્તી રહી છે. આ ચાર જિલ્લામાં અસરકારક પોલીસ દળના અભાવને કારણે સેંકડો અને હજારોની સંખ્યામાં લગભગ રોજ આઝાદ રેલી કાઢે છે. આ ચાર જિલ્લામાં કુલ ૩૬ પોલીસ સ્ટેશન છે, જેમાંથી ત્રણ જ પોલીસ સ્ટેશન કામ કરી રહ્યાં છે. જેમાં પુલવામા, રાજપુરા અને અવંતીપુરાનો સમાવેશ થાય છે.

જ્યારે ટોળાંઓએ પોલીસ સ્ટેશનો પર હુમલા શરૂ કરી દીધા તો બાકીનાં પોલીસ સ્ટેશન ખાલી કરાવી દેવામાં આવ્યાં છે. તોફાની ટોળાંએ કેટલાંય પોલીસ સ્ટેશનોમાં આગ લગાવી દીધી હતી. પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ પોલીસ વિભાગે કેટલાક સમય માટે ડઝનબંધ પોલીસ સ્ટેશનને તાળાં લગાવી દીધાં છે. મોટા ભાગનાં પોલીસ સ્ટેશન હવે ખાલી ભાસી રહ્યાં છે. જેની સુરક્ષા લશ્કર અને સીઆરપીએફના જવાનો કરી રહ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ત્રાલમાં મોટા ભાગના યુવાનો આતંકવાદી સંગઠનોમાં જોડાઇ ગયા છે. લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ-મહંમદના કમાન્ડરો દ્વારા આયોજિત ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીનાં મોત બાદ કાશ્મીર ખીણમાં સ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે.

હજારોનાં ટોળાંઓનાં હુમલાના કારણે ડરી ગયેલા કેટલાક પોલીસે સીઆરપીએફ અને લશ્કરના કેમ્પોમાં શરણાગતિ લીધી છે. સીઆરપીએફના જવાનોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ આઝાદીનાં સૂત્રો પોકારતાં ટોળાંઓ સાથે સંઘર્ષ ટાળે અને અંદરની શેરીઓ અને ગલીઓમાં પેટ્રોલિંગ બિલકુલ ન કરે. અત્યાર સુધીમાં કાશ્મીરમાં હિંસક દેખાવો અને અથડામણોમાં ૬૭થી વધુ લોકોનાં મોત થયાં છે અને ૪૬ દિવસથી વધુ કફર્યુનો અમલ જારી છે.

You might also like