દક્ષિણ ગુજરાતમાં આવ્યો પવન સાથે થઈ વરસાદની એન્ટ્રી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે વાતાવરણના પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તાપી, બારડોલી, ભરૂચમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ વરસી ગયો હતો. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસ્યો છે.

તો, આ તરફ સુરતમાં પણ તેજ પવન સાથે વરસાદ વરસી ગયો છે. સુરતના ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે. તેજ પવનને કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ડુલ થયો છે. તો વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી છે.

અમરેલીમાં વરસાદનું આગમન
અમરેલીમાં મોડી સાંજે વરસાદનું આગમન થયું હતું. 40 ડિગ્રી કરતા વધુ તાપમાનની ગરમી બાદ આવેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે ભારે વરસાદ અને પવનના કારણે કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાઇ થયા. સતત વરસેલા વરસાદના કારણે થોડી જ વારમાં અમરેલી તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું.

અમરેલીમાં બપોર બાદ 3 ઈંચ વરસાદ  
અમરેલીમાં બપોર બાદ 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં સાવરકુંડલામાં ભારે વરસાદના કારણે વીજળી ગુલ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. આશરે દોઢ લાખની વસ્તી ધરાવતા સાવરકુંડલામાં હાલ અંધારપટ છવાયો છે. સતત પાંચ કલાકથી વીજળી ન હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેટલાક વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે. જો કે કોઈ નુકસાનીના સમાચાર હાલ મળ્યા નથી.

નાવલી નદીમાં પૂર આવ્યું – મારૂતી કાર તણાઈ
અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં એકા-એક આવેલા પૂરમાં એક મારૂતી કાર તણાઈ હતી. પરંતુ કારમાં કોઈ સવાર ન હોવાથી સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.  નદીમાં આવેલા આ વર્ષના પહેલા પૂરને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.

You might also like