દ. ગુજરાતનાં ખેડૂતોને 15 સપ્ટે. બાદ શેરડીનું વાવેતર કરવા સલાહ

સુરતઃ દક્ષિણ ગુજરાતનાં શેરડીનાં ખેડૂતોને હાલમાં વાવણી નહીં કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. સુગર ફેકટરીનાં સંચાલકોને વાવણી ન કરવા માટેનો પત્ર પણ લખવામાં આવ્યો છે. ઉકાઈ કાકરાપાર કમાન્ડ એરિયા ઈરીગેશન કો.ઓપરેટીવ સોસાયટી ફેડરેશન લિમિટેડ દ્વારા પત્ર લખાયો છે.

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં અપૂરતા વરસાદને કારણે પાણીની કટોકટી ઉભી થઈ છે. ઉકાઈ ડેમમાં હાલમાં 300 ફૂટની સપાટી છે. હાલમાં સિંચાઈ માટે પાણી અપાઇ શકે તેમ નથી. જેથી 15 સપ્ટેમ્બર પછી ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા સલાહ પણ આપવામાં આવી છે. ડેમનાં ઉપરવાસમાં વરસાદ ન થાય તો પાણીની કટોકટી સર્જાઈ શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે ઉકાઈ કાકરાપાર કમાન્ડ એરિયા ઈરિગેશન ફેડરેશને રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘને આજે એક સત્તાવાર પત્ર લખીને ખેડૂતોને આગામી તા. ૧લી સપ્ટેમ્બરથી શેરડી વાવણી એક મહિનો લંબાવવા માટેની જાણ કરાઇ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનાં ઉપરવાસનાં વિસ્તારોમાં ચોમાસું નિષ્ફળ જવાને કારણે ડેમની સપાટી છેલ્લાં એક સપ્તાહથી સતત ૩૦૦ ફૂટ સુધી જ રહી છે.

રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘને લખાયેલા પત્રમાં જણાવાયું કે, હાલમાં ૧૬ ફૂટ જેટલું પાણી ઓછું છે અને હાલની સપાટીએ વાવણી પણ જોખમકારક લાગી રહેલ છે. સપ્ટેમ્બરમાં કેચમેન્ટ એરિયામાં વરસાદ સારી માત્રામાં નોંધાયા બાદ તા.૧૫મી સપ્ટેમ્બરથી રોપાણ શરૂ થાય એ ખેડૂતોનાં હિતમાં હોવાનું જણાવાયું છે.

15 સપ્ટેમ્બર પછી ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા સલાહ પણ આપવામાં આવી છે. ગત વર્ષે પણ ઉકાઈમાં માત્ર ૧૪ ફૂટ જ નવુ પાણી આવ્યું હતું જયારે ૧૮ પાણીનો વધારાનો જથ્થો આગલા વર્ષનો હોવાને કારણે છેવટે રોટેશન અપાયું હતું પરંતુ આ વર્ષે ડેમ ૧૬ ફૂટ ઓછો ભરાયો હોવાને કારણે આ રીતે જોખમ લઈ શકાય તેવી કોઈ જ સ્થિતિ નથી.

You might also like