દક્ષિણ આફ્રિકા સામે પહેલી વન ડે ઈંગ્લેન્ડે જીતી લીધી

બ્લોએલફોન્ટેનઃ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે શ્રેણીની પહેલી મેચ ઈંગ્લેન્ડે ૩૯ રને જીતી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને ટોપ ઓર્ડર્સના જોરદાર પ્રદર્શનથી નિર્ધારિત ૫૦ ઓવરમાં ૩૯૯ રનનો પહાડ જેવડો સ્કોર ખડક્યો હતો અને દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા માટે ૪૦૦ રનનો કપરો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે ગઈ કાલે રમાયેલી મેચમાં વરસાદ પડતાં ડક્વર્થ-લૂઇસ મેથડ પ્રમાણે દક્ષિણ આફ્રિકાને ૩૩.૩ ઓવરમાં ૨૯૦ રનનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું, પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ ૩૩.૩ ઓવરમાં પાંચ વિકેટે ૨૫૦ રન જ બનાવી શકતા તેમનો પરાજય થયો હતો.

દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનિંગમાં આવેલા ક્વિન્ટોન ડી’કોકે તોફાની બેટિંગ કરીને ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. મેન ઓફ ધ મેચ જાહેર કરાયેલા ક્વિન્ટોને ફક્ત ૯૬ બોલમાં ૧૨ ચોગ્ગા અને છ છગ્ગા સાથે ૧૩૮ રન ઝૂડી કાઢ્યા હતા. જોકે ડી’કોકને એકમાત્ર ફાફ ડુ પ્લેસીનો સાથે મળ્યો હતો, જેણે ૫૫ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાનો અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર નોંધાવી શક્યો નહોતો.

બેટિંગક્રમ પ્રમાણે સ્કોર આ મુજબ રહ્યો હતોઃ ડી’કોક અણનમ ૧૩૮, આમલા ૦૬, ફાફ ડુ પ્લેસી ૫૫, ડીવિલિયર્સ ૦૮, ડુમિની ૧૩, રોસૌ ૧૯, બેહાર્ડીન અણનમ ૦૪. અગાઉ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરનાર ઈંગ્લેન્ડ તરફથી ચોથા ક્રમે બેટિંગમાં આવેલા બટલરે જબરદસ્ત બેટિંગ કરતાં ૭૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૧૦૫ રન ઝૂડી કાઢ્યા હતા. આ ઉપરાંત ઈંગ્લેન્ડના ટોચના બેટ્સમેનોએ પણ સુંદર ફાળો આપતાં ઈંગ્લેન્ડે નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ િવકેટના ભોગે ૩૯૯ રન નોંધાવ્યા હતા.

બેટિંગક્રમ પ્રમાણે સ્કોર આ મુજબ રહ્યો હતોઃ રોય ૪૮, હેલ્સ ૫૭, રૂટ ૫૨, બટલર ૧૦૫, મોર્ગન ૨૩, સ્ટોક્સ ૫૭, મોઇન અલી ૧૯, જોર્ડન ૧૪, રશીદ ૦૨, વિલી અણનમ ૦૫, ટોપ્લે અણનમ ૦૦.

You might also like