દ. આફ્રિકાના પૂછડિયા બેટ્સમેનોએ ઇંગ્લિશ બોલર્સને પરેશાન કરી મૂક્યા

નોટિંગહામઃ પ્રવાસી દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ગઈ કાલે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર છ વિકેટે ૩૦૯ રન હતો. ફિલાન્ડર ૫૪ રને અને મોરિસ ૨૩ રને અણનમ રહ્યા હતો.
દ. આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ગઈ કાલે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો અને તેઓની પ્રથમ વિકેટ ૧૮ રનના કુલ સ્કોર પર એલ્ગરના રૂપમાં પડી ગઈ હતી, ત્યાર બાદ બીજી વિકેટ ૬૬ રનના સ્કોર પર કૂહ્નના રૂપમાં પડી હતી. જોકે ત્યાર બાદ આમલા (૭૮) અને ડિ’કોક (૬૮)ની જોડી જામી હતી અને આ બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૧૧૩ રન ઉમેરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.
આ બંનેના આઉટ થઈ ગયા બાદ ફરી એક વાર ઈંગ્લેન્ડના બોલર્સે રમત પર કાબૂ મેળવી લઈને દક્ષિણ આફ્રિકાની છ વિકેટ ૨૩૫ રનના કુલ સ્કોર પર ઝડપી લીધી હતી. આ સમયે એવું લાગતું હતું કે ફરી એક વાર દક્ષિણ આફ્રિકાની ટીમનો દાવ સસ્તામાં સમેટાઈ જશે, પરંતુ પૂછડિયા ખેલાડી ફિલાન્ડર (અણનમ ૫૪) અને મોરિસ (અણનમ ૨૩) બાજી સંભાળી લઈને ધીરજપૂર્વક રમવાનું શરૂ કર્યું હતું અને પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડના બોલર્સનો મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો. આ બંને અત્યાર સુધીમાં સાતમી વિકેટની ભાગીદારીમાં ૭૪ રન ઉમેરી ચૂક્યા છે. આમ પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર છ વિકેટે ૩૦૯ રન હતો.
દક્ષિણ આફ્રિકાઃ
એલ્ગર કો. ડોસન બો. એન્ડરસન ૦૬
કૂહ્ન બો. બ્રોડ ૩૪
આમલા કો. વૂડ બો. બ્રોડ ૭૮
ડી’કોક કો. કૂક બો. બ્રોડ ૬૮
ડુ પ્લેસિસ કો. બેરિસ્ટો બો. સ્ટોક્સ ૧૯
બાવુમા કો. બેરિસ્ટો બો. સ્ટોક્સ ૨૦
ફિલાન્ડર અણનમ ૫૪
મોરિસ અણનમ ૨૩
વધારાના ૦૭
કુલ (છ વિકેટે) ૩૦૯
http://sambhaavnews.com/

You might also like