દ. આફ્રિકાએ કાંગારુંઓનો 5-0થી સફાયો કરી નાખ્યો

કેપટાઉનઃ એક જમાનામાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જે ટીમનો ડંકો વાગતો હતો તે ઓસ્ટ્રેલિયાની ટીમનો દક્ષિણ આફ્રિકાએ વન ડે શ્રેણીમાં કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે. ગઈ કાલે શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ૩૧ રનથી હરાવી દીધું. આ જીત સાથે જ દ. આફ્રિકાએ શ્રેણી પર ૫-૦થી કબજો જમાવી દીધો. ૩૨૮ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી એકમાત્ર ડેવિડ વોર્નર દક્ષિણ આફ્રિકાના બોલર્સનો સામનો કરી શક્યો હતો. તેણે ૧૩૬ બોલમાં ૨૩ ચોગ્ગા સાથે ૧૭૩ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, આમ છતાં તે પોતાની ટીમને વિજય અપાવી શક્યો નહોતો. વોર્નરને મેન ઓફ ધ મેચ, જ્યારે દક્ષિણ આફ્રિકાના રસૌને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.

ગઈ કાલ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરતાં આઠ વિકેટે ૩૨૭ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૬ રન જ બનાવી શકી હતો. જોકે દ. આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી. શરૂઆતની ૧૧ ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર ત્રણ વિકેટે ૫૨ રન હતો. ત્યાર બાદ રસૌ અને જે. પી. ડોમિનીએ પોતાની ટીમને સંભાળી હતી અને ૧૭૮ રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ચોથી વિકેટ માટેની આ રેકોર્ડ ભાગીદારી હતી. રસૌને ૧૧૮ બોલમાં ૧૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૨૨ રન, જ્યારે ડોમિનીએ ૭૫ બોલમાં આઠ ચોગ્ગા સાથે ૭૩ રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે ડેવિડ મિલરે પણ ૨૯ બોલમાં ૩૯ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.

ત્યાર બાદ બેટિંગ કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને એકમાત્ર ડેવિડ વોર્નરનો જ સહારો મળ્યો હતો. વોર્નરે પોતાની ટીમને ક્લીનસ્વિપથી બચાવવાની ભરપૂર કોશિશ કરી હતી. એક સમયે વોર્નર આમાં સફળ થતો દેખાઈ રહ્યો હતો, પરંતુ તેના રનઆઉટ થવાની સાથે જ ઓસ્ટ્રેલિયાની આશા પર પાણી ફરી વળ્યું હતું. આ શ્રેણીમાં કારમા પરાજય છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ આઇસીસી રેન્કિંગમાં હજુ પણ નંબર વનના સ્થાને છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા નંબર પર છે.

દક્ષિણ આફ્રિકાઃ ૫૦ ઓવરમાં ૩૨૭ રન
ઓસ્ટ્રેલિયાઃ
વોર્નર રનઆઉટ ૧૭૩
ફિંચ બો. તાહિર ૧૯
સ્મિથ બો. તાહિર ૦૦
બેઇલી બો. ફેહ્લુક્વાયો ૦૨
એમ. માર્શ બો. રબાડા ૩૫
હેડ કો. ડિ’કોક બો. એબોટ ૩૫
વેડ કો. ડિ’કોક બો. એબોટ ૦૭
મેની કો. મિલર બો. રબાડા ૦૦
ટ્રીમેન રનઆઉટ ૦૦
ઝમ્પા અણનમ ૦૬
બોલાન્ડ રનઆઉટ ૦૪
વધારાના ૧૫
કુલ (૪૮.૨ ઓવરમાં ઓલઆઉટ) ૨૯૬

You might also like