એકાકી વૃદ્ધોને ‘SOS’નો સહારો

અમદાવાદછ શહેરમાં એકલવાયું જીવન જીવતા તેમજ ૮૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રાજ્ય સરકારની સુરક્ષા સેતુ સોસાયટી યોજના હેઠળ તેમજ સોમચંદભાઇ ડોસાભાઇ ચે‌િરટેબલ ટ્રસ્ટના સહયોગથી સુરક્ષા માટે SOS ડિવાઇસ અપાયા હતા. નારણપુરા અને વાડજ વિસ્તારના વૃદ્ધોને ગઇ કાલે શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા આ ડિવાઇસનું વિતરણ કરાયું હતું. વિતરણ સમારંભમાં હાજર વૃદ્ધોએ પોલીસ અને ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી તેમજ હવે પોતે પોતાના ઘડપણને નહીં, પરંતુ યુવાનીમાં જીવતા હોય તેવો અહેસાસ કરતા હોવાનું જણાવ્યું હતું.

નારણપુરા-વાડજ પોલીસ સ્ટેશનમાં SOS ડિવાઇસના વિતરણ સમારંભમાં આવેેલાં વૃદ્ધા કાંતાબહેન અંબાલાલ પટેલે સમભાવ મેટ્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે તેઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવશે. પોલીસની મદદથી તમામ વૃદ્ધો હવે એકલાં છે તેવું નહીં અનુભવે. કાંતાબહેનને પોલીસ દ્વારા આ SOS ડિવાઇસ આપી સુરક્ષા આપવાનું વચન અપાતાં હવે તેમને ઘણા દીકરાઓ મળી ગયા છે તેવું તેમણે જણાવ્યું હતું.

કાંતાબહેનને પોલીસ અને સોમચંદભાઇ ટ્રસ્ટ દ્વારા SOS ડિવાઇસ સુરક્ષા અને અન્ય ચીજવસ્તુઓ માટે અપાતાં કાંતાબહેને પણ જાતે ઘરમાંથી બનાવેલા ચકલીના માળાને પોલીસ કમિશનર અને વાડજ પી.આઇ.ને ઇનામ સ્વરૂપે આપ્યા હતા. પોલીસ કમિશનર એ. કે. સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે એકલવાયા જીવનમાં વ્યક્તિને સુરક્ષાની જરૂરિયાત હોય છે, જેને ધ્યાનમાં રાખી સુરક્ષા સેતુ અને ટ્રસ્ટના સહયોગથી આ SOS ડિવાઇસ આપવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસ કમિશનર ઓફિસમાં જ અલગ કંટ્રોલરૂમ ઊભો કરી ટ્રસ્ટ અને પોલીસના સહયોગથી સુરક્ષા પુરી પડાશે.

You might also like